એક મજાની ખિસકોલી, નામ એનું ખલી. આખો દિવસ દોડાદોડ કરે. એ હસતી—રમતી કરે તોફાન. ગોળ—ગોળ એના કાન ને તીણા અવાજે ગાતી ગાન. ખાતી જાય બીજ, પાન ને ધાન. ચપળ ભારે… પણ પોતાનું રાખે ભાન.
ખલીને દોડતી જોઈ હાથીદાદા કહે, ‘ખલી… તું થાકતી નથી?’
‘ના રે દાદા ના, થાકવાનું વળી કેવું?’ ને એ દોડતી-દોડતી ગાતી જાય,
ભાગો દોડો, ભાગો દોડો, પવનદેવની જેમ;
ચાલો તમને શિખડાવું છું, રાજી રહેવું કેમ?
ગાય કહે, ‘વાહ ભાઈ વાહ. ખલી શીખવે છે કે, રાજી રહેવું કેમ.’
‘પણ ખલી, ઊભી તો રહે! અલી… આટલી શી ભાગ-દોડ?’ વાછરડું બોલ્યું.
ઝાડ ઉપરથી વાંદરો બોલ્યો, ‘ઊભી રહે તો ખલી નહીં.’
‘હા, સાવ સાચી વાત…અલી, દોડાદોડથી તું થાકે ના?’ બાવળ ખાતાં બકરી બોલી.
‘ના…ના… ના, થાક વળી કેવો?’ ને એ આનંદથી ગાવા લાગી,
ભાગો દોડો, ભાગો દોડો, પવનદેવની જેમ
ચાલો તમને શીખડાવું છું, રાજી રહેવું કેમ?
ખલીને સહુ આનંદથી જોતાં રહે. ઝટપટ એ ઝાડ ઉપર ચડે, ન કોઈને હેરાન કરે. હા, એ જરૂર ડરે, પણ હિંમતથી ડગ ભરે.
એની વાતો ચારે કોર. હાથી, ગાય ને વાંદરો પણ એને વખાણે. કળા કરતો મોર પણ વખાણે.
મસ્ત મજાનો ઘોડો કહેતો, ‘ખલી ખૂબ મજાની. આપણે જીવવું ના જેમ—તેમ. ચાલો એને બનાવીએ મેમ.’
ઘોડાની વાત સાંભળીને ગધેડો બોલ્યો, ‘સાવ ગાંડો છે તું પણ. ખલીમાં એવું તે શું છે?’
ઘોડો બોલ્યો, ‘ખલી ચપળ છે, ચાલાક છે. એ નખરાળી છે ને લટકાળી છે. એ હસતી છે ને રમતી છે. તેથી સહુને ગમતી છે.’
‘બસ…બસ, નથી સાંભળવી ખલીની વાતો. એમ તો હું પણ ધોળો ધબ્બ. જુઓ… મારો વટ્ટ.’ કહેતા પાછલા પગે મારી લાત. પણ ગધેડો ભૂલી ગયો કે હાથીદાદા પાછળ ઊભા છે. હાથીદાદાના જાડાભમ્મ પગ સાથે એનો પગ અથડાયો. પગે ખૂબ વાગવાથી ગધેડાનો પગ ત્રાંસો થઈ ગયો. હોંચી હોંચી કરતો એ ત્યાંથી લંગડાતા પગે ભાગ્યો. એ જોઈને બધાં હસવા લાગ્યાં.
ઘોડો કહે, ‘સમજાયું એ કેમ ભાગ્યો?’
બધાં એક અવાજે બોલ્યાં, ‘ના.’
‘ગધેડાને સાચું શીખવું નથી, સારું શીખવું નથી. બીજાને લાત લગાવતાં પોતાને જ વાગ્યું.’ ઘોડો બોલ્યો.
હાથીએ કહ્યું, ‘રાજી રહેવાની વાત રહી ઠેકાણે ને મૂરખો ગણાયો. બીજાની પાસે સારું શું છે એ પણ શીખવું જોઈએ ને? કહેતા હાથીદાદા ખલીનું ગીત ગાવા લાગ્યા,
ભાગો દોડો, ભાગો દોડો, પવનદેવની જેમ
ચાલો તમને શીખડાવું છું, રાજી રહેવું કેમ?
લેખક : ગિરા પિનાકિન ભટ્ટ્
Leave A Comment