જયકૃત આજે ઝરણું જોવા ગયો.
ખળખળ-ખળખળ વહેતું ઝરણું.
ઠેરઠેર ઠેકડા મારતું ઝરણું,
પળભર ના રોકાતું ઝરણું,
હળધર નટવર જેવું ઝરણું.
ઝરણાની આસપાસ ઊંચાં ઊંચાં ઝાડ. ઝરણાને સહુ કરે લાડ. પંખીઓ કલરવનાં ગીતો ગાય. પશુઓ પાણીમાં છબછબ-છબછબ નાય. ત્યાં પાણી પીવા આવે સસલાં, હરણાં ને સાબર. મોરની કળા જોવાને આવે કલબલતી કાબર. જયકૃતભાઈને તો જલસા પડી ગયા હોં.
પાણી પીવા આવતી બકરીઓ બોલે બેં… બેં… બેં. એના ચાળા પાડતાં જયકૃત બોલ્યો, ‘અહીંની મજા તું લે… લે… લે. બોલ બકરી, તને અહીં ગમે છે કે નહીં એ મને કે’? જયકૃતની વાતે બધાં ખડખડાટ હસ્યાં. આસપાસ ઘણું—ઘણું ફર્યાં ને રમ્યાં. સાથે લાવેલી સુખડી ને થેપલાં ખાધાં. ત્યાં ચીં મામાએ આપ્યું મોરપીંછ.
‘મમ્મા મમ્મા, જો મામાએ આપ્યું.’
‘વાહ ભઈ વાહ… ખૂબ સરસ! અહીં રમવાની મજા આવી ને? આ મોરપીંછ લઈ હવે આપણે ઘેર જઈએ.’
‘ના મમ્મા, ઘેર ના.’
‘જો ચકી ને કાગડો કોઈ દેખાય છે અહીં? સૂરજદાદા પણ ગયા એમના ઘેર.’ ને એના પપ્પાએ એને વ્હાલથી તેડીને ગાડીમાં બેસાડ્યો. પણ હઠીલા જિયુભાઈ ગાડીનું ડોર ખોલીને ઊતરી ગયા નીચે.
‘ઘેર જવું નથી. અહીં રહેવું છે પપ્પા.’
બેટા, અહીં ન રહેવાય.’
‘તો આ ઝરણાને આપણી સાથે લઈ લો.’
બધાં મૂંઝાયાં. ‘ભાઈ, ઝરણું તો ભારે હઠીલું. એ સાથે ન આવે હોં.’ મામા બોલ્યા.
‘મામા, એને આ મોરપીંછ આપું તો ઝરણું આપણી સાથે ન આવે?” પછી ઝરણા સામું જોઈ એ બોલ્યો, ‘લે… આ મોરપીંછ આપું છું બસ, હવે તો તું મારા ઘરે આવીશ ને?’
ઝરણાએ મને કહ્યું કે… ‘જયકૃતના પેન્ટનું પોકેટ ટનાટન. હું આવું છું…મને એમાં બેસાડો ફટાફટ. પછી ગાડી ભગાવો ધનાધન.’
‘ખળ-ખળ ઝરણું મારા પોકેટમાં? પપ્પા પપ્પા… હવે ગાડી ભગાવજો હોં. મામા ઝરણું ઊતરી તો નહીં જાય ને?’
ગાડી ચાલી ત્યાં જયકૃતની મમ્મી બોલી, ‘બેટા, ઝરણું એમ ન લઈ જવાય. એને લઈ જઈએ તો આ લીલાં ઝાડ સુકાઈ જાય. ચકી ને કાગડો પાણી પીવા ક્યાં જાય? ગાય ને બકરી પાણી વિના તરસ્યાં રહે.’
‘ભાઈ ભાઈ, આમ કોઈને કંઈ દુ:ખી કરાય?’ જયકૃતના પપ્પાએ પૂછ્યું.
બે હાથ હલાવતાં મામા બોલ્યા, ‘ના ભાઈ, ના.’
મામાની નકલ કરતાં જિયુ બોલ્યો, ‘ના મામા, ના.’
‘તો ચાલો ઝરણાને કરીએ બાય બાય.’
ને હાથ હલાવતાં જિયુભાઈ બોલ્યા, ‘તું તો સહુને પાણી પાય. બકુડા બ. બાય, બ.. બાય.’
Leave A Comment