સવાર પડી.

સૂરજદાદાને જોતાં અંધારું છૂપાછૂપ.

બિલાડીઓ ને કૂતરાં કરે કૂદાકૂદ.

વાંદરાઓએ માંડ્યું હૂપાહૂપ.

ઘેર ઘેર જાગતાં બાળ કરે બૂમાબૂમ.

 

રમકડાંની બાસ્કેટ લઈને બેઠા જિયુભાઈ. પણ આજે તો રમકડાંની લૂંટાલૂંટ! એક રાતમાં મોટો જાદુ! જિયુભાઈને ગમે તેવો જબરો જાદુ. કેમ કે બધાં રમકડાં ચોકલેટનાં! એ તો થયા રાજી રાજી ને તાળી પાડી ગાવા લાગ્યા,

 

ચૉકલેટનાં રમકડાંને,

ચોકલેટની બાસ્કેટ.

રેડ-યલો ને બ્લૂ કલરની,

ડૉગી-કેટની હૅટ.

 

‘વાઉ… મમ્મા, બાસ્કેટ બી ચોકલેટની છે તું જો….જો…’ મમ્મી હતી કામમાં. હા, હા… કહેતી એ રસોડામાં ગઈ. ત્યાં તો જિયુભાઈનું બાસ્કેટ હાલ્યું. એમાંથી હૂપ કરતા વાંદરાભાઈ કૂદ્યા.

 

“કેમ જિયુભાઈ, મને ચોકલેટનો બનાવી દીધો?’

‘ના ના મન્કી… મેં નથી બનાવ્યો. સાચું કહું તો મને ખબર જ નથી કે આ બધું કઈ રીતે બન્યું. પણ મન્કી, આ મને બહુ ગમ્યું હોં.’

 

‘પણ મને તો જરાય ગમે ના. જો, આ બાસ્કેટમાં મજાનાં કેળાં હતાં. તે પણ બધાં ચોકલેટનાં બની ગયાં. બોલ, હવે હું શું કરું? તું કહે, હું શું ખાઉં?’

 

‘ચૉકલેટનાં કેળાં!’ ખુશખુશાલ થતો જિયુ બોલ્યો.

‘ના ભાઈ ના, ચૉકલેટ ખાઈને હું મારા દાંત ન બગાડું.’ કહેતાં એ હૂપ કરતો કૂદ્યો. બારીમાં જઈને બેઠો. એની લાંબી પૂંછડી લટકતી હતી. એ પણ હતી ચોકલેટની! મન્કીએ બધે નજર દોડાવી.

 

ફ્રીઝ ઉપર મૂકેલાં કેળાં જોયાં. બે કેળાં લઈ એ જિયુ પાસે આવ્યો.

 

‘લે દોસ્ત, એક કેળું તારું ને એક મારું.’ કહેતાં વાંદરો કેળું ખાતો જાય ને ગાતો જાય,

 

હૂપાહૂપ હું બંદર છું પણ,

ખાઉં ના ચોકલેટ.

શું ખાવું શું ન ખાવું એ,

જાણે ડૉગી ને કેટ.