નાનો-નાનો રિધાન.
મસ્ત મજાના ઘેટા જેવો.
ધોળોધબ્બ....ને વાંકળિયા વાળ.
ખલ...…ખલ...…ખલ હસે ત્યારે મજાનાં દાંત દેખાય.
સહુને વ્હાલો લાગે એવો.
એવા મસ્ત મજાના રિધાનને વાતો સાંભળવાની બહુ ગમે. એના પપ્પા જીગર નોકરી કરવા જાય. રિધાનની મમ્મી ભૂમિ દવાખાનામાં નોકરી કરે. જીગર અને ભૂમિ બન્નેનો જીવ એના દીકરામાં…….પરંતુ...ઘરે લક્ષ્મણદાદા અને શારદાબા હોય એટલે શાંતિ હતી.
લક્ષ્મણદાદા મજાની વાતો કરે. એટલે રિધાન ખુશ ખુશ. આજે વરસાદ આવ્યો. એ જોઈ રિધાને પૂછ્યું, ‘હૈં દાદા, વરસાદને વાર્તા સાંભળવાનું ગમે ?
'હા….હા. વરસાદને પણ વાર્તા સાંભળવાનું મન થાય.'
‘હૈં દાદા, વરસાદને કોની વાત ગમે ?’
જવાબ આપવો અઘરો હતો. શારદાબા પણ વિચારવા લાગ્યાં.
'બેટા, વરસાદને મોરની વાત ગમે. એના ટહૂકા ગમે……. એની કળાની વાતો ગમે. વળી, વરસાદને દેડકાંની વાતો બહુ વ્હાલી. બધાં દેડકાં ડ્રાઉં…ડ્રાઉં… કરતાં વાર્તાઓ કહે. ને દેડકાંની વાતો વરસાદ સાંભળે.'
'દાદા...દાદા...વરસાદને તો બહુ બધી વાતો સાંભળવા મળે નહીં.'
હા...હા... રિધાન, જો…મેં તને વાર્તા કહીને…જો…હવે તારી બા કહેશે.
'ના..દાદા...ના, બા તું ગીત ગા...
શારદાબા ગાવા લાગ્યાં
આવ રે વરસાદ,
વાર્તાનો પ્રસાદ.
દેડકાં ડ્રાઉં….ડ્રાઉં ને,
મોરલિયાનો સાદ...
આવ રે વરસાદ,
તારા લેવા વાદ.
દાદાજીની વાર્તાઓનો,
આભે ગરજે નાદ.
રિધાન તો ખુશ-ખુશ… દાદા વાર્તા કહે ને બા ગાય ગીત.



