એક કૂતરો, નામ એનું કાળિયો. આખો દિવસ ભમે. ખોટા-ખોટા કજિયા કરે. એટલે બધાં એને કજિયાળો કહે. આ કજિયાળો ઝાડ નીચે સૂતો. આંખ ખૂલી તો જોયા વાંદરાઓ. ‘ઓય વાંદરા, અહીં આવ. નહીંતર તને મારું.’
કજિયાળો બોલ્યો.
'ના, નહીં આવું જા.'
‘ઊભો રહે…” કહેતાં કજિયાળો ઊઠ્યો. વાંદરાં ચડી ગયાં ઝાડ ઉપર.
કજિયાળાએ આજુબાજુ જોયું. ત્યાં એક ગાય ચરતી હતી. કાળિયો એને જોઈ રહ્યો પછી બોલ્યો, ‘અલ્યા વાંદરા, ખોટી કૂદાકૂદ ન કર. તું મારી પાસે આવ. તું જો તો ખરો. આ ગાયની પૂંછડી સીધી ને મારી પૂંછડી વાંકી કેમ? તું મારી વાંકી પૂંછડી સીધી કરી જા.’
'એ મને આવડે ના.'
‘ન આવડે તોપણ મારી પાસે આવ.' કજિયાળાની વાત સાંભળીને વાંદરો આવ્યો. કજિયાળો જોરદાર પગની ઝાપટ મારવા ગયો. પણ એ પહેલાં તો વાંદરો ભાગ્યો. એ જતો રહ્યો ઝાડ ઉપર.
કજિયાળો કહે, 'વાંદરા નીચે આવી જા. મારી વાંકી પૂંછડીને સીધી કરતો જા.'
વાંદરો હવે કંટાળ્યો. આ કજિયાળો સતત ભસ ભસ કર્યા કરે. આવું તો કોને ગમે? એને હવે સીધો કરવો જ પડે. એમ વિચારીને એ તાલી પાડીને ગાવા લાગ્યો,
વાંકી છે રે વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે.
પણ આ ગીત કૂતરાઓને ગમે ના. વાંદરાઓ તો કૂદતા જાય ને ગાતા જાય. આ ગીત સાંભળ્યું ઝાડ નીચે રહેતી ખિસકોલીએ. તેને પણ આ ગીત ગમ્યું. તીણા રાગે એ પણ ગાવા લાગી ગીત. પેલો કજિયાળો ઊઠ્યો, એ ખિસકોલીને પકડવા દોડયો. પણ ચપળ ખિસકોલી એમ કંઈ પકડાય?
આમ કાળિયો સહુને પકડવા જાય, પણ કોઈ પકડાય ના. આજે પણ કજિયાળો બધાંને પકડવા દોડે છે હોં. થાકીને ધૂળમાં સૂઈ જાય છે. જ્યારે વાંદરાઓ તો ઝાડ ઉપર મસ્તીથી કરે છે કૂદાકૂદ ને રમે છે હૂપાહૂપ. એ જોઈને પેલો કાળિયો કરે છે બૂમાબૂમ. હાઉં… વાઉં, હાઉં…વાઉં. પેલી ઘાસ ચરતી ગાય આવું બધું જોઈને ગાય છે,
વાંકું જોયું તો વાંકું થયું, સીધું જોયું તો સારું થયું.



