એક હતો વાંદરો, વડું એનું નામ. એને ગીત ગાવાનું બહુ ગમે, પણ આવડે નહીં. એક સાંજે એ ઝાડની ડાળી ઉપર બેઠો હતો. એકલો-એકલો એ ગાંડું-ગાંડું જેવું આવડે એવું ગાતો હતો. એકાએક એના મોંમાંથી ગીતની લીટી સરી પડી,
હું વાંદર પણ કૂદાકૂદ ના કરું,
હું તો ગાઉ ગીત.
હું બીજાથી સાવ અલગ છું,
મને ગમે ગીત સંગીત.
બસ, પછી તો વડું વાંદરો આ ગીત ગાયાં જ કરે. ઝાડ ઉપર રહેતા સાથીદારો આવે ને જાય. વડું બધા સાંભળે એમ મોટે-મોટેથી ગીત ગાય. કેટલાંક વખાણ કરે તો કેટલાંક હસે. કેટલાંક કાઢે દાંત તો કંઈક અહીંથી તહીં ખસે. વડું તો એના ગીતમાં મશગુલ રહે.
'વડું, ગાંડો થયો છે કે શું? આમ એક ઠેકાણે તો બેસી રહેવાય?'
‘મૂરખો થા મા ! આમને આમ તો તું ભૂલી જઈશ કૂદવાનું પણ.’ ઝાડ ઉપરનાં બીજો વાંદરાઓ વડુંને સમજાવતાં રહેતાં. વળી, આમ બેસી રહીએ તો કોઈનીય નજરમાં આવી જઈએ. આપણા શિકારીઓ કાંઈ ઓછા છે? તું સમજી જા. ગીત ગા, પણ ફરવાય જા.
સમજે તો વડું વાંદરો નહીં. એના માથે ગીત સવાર હતું.
હું વાંદર પણ કૂદાકૂદ ના કરું,
હું તો ગાઉ ગીત.
હું બીજાથી સાવ અલગ છું,
મને ગમે ગીત સંગીત.
ઝાડનાં પાંદડાં ફર ફરે ને વડું ગીત ગણ ગણે. આમને આમ કેટલાય દિવસો વહી ગયા. વડું એકનો બે થતો ન હતો. ઝાડ ઉપરનાં કૂણાં પાંદડાં ખાઈ પેટ ભરી લેતો. પણ હવે આવી પાનખર ! ન મળે સૂકાં પાન પણ. લીલાં તો હોય જ નહીં. આ.. વડુંને સમજાવે કોણ?
વાનરે ટોળીના આગેવાને ચાલ ખેલી. બધાંય વાનરોને લઈ ગયા દૂર-દૂર. બધાંયને પોતાની યોજના સમજાવી. 'હું મારી વાત સરસ રીતે રજૂ કરીશ. તમારે બધાંય અચરજ સાથે કહેવાનું, ના હોય ! સમજી ગયાને તમે બધાંય ?'
વાત સમજી બધાંય એ ઝાડ ઉપર આવીને ગોઠવાઈ ગયાં. આગેવાને પોતાની યોજના મુજબ વાત કહેવા માંડી.
'આજની તો વાત જ કંઈક જુદી છે બોલો?'
'ના હોય !' બધા વાંદરાઓ અચરજ બતાવી વડું સામે જોઈ લીધું. વડું તો ગીત ગાવામાં મશગુલ હતો...
હું વાંદર પણ કૂદાકૂદ ના કરું,
હું તો ગાઉ ગીત.
હું બીજાથી સાવ અલગ છું,
મને ગમે ગીત સંગીત.
બીજાં વાંદરાઓ બોલતાં હતાં... 'ના હોય !'
'હોય... હોય.. તમારા માનવામાં ન આવે એવું જ હોય! દૂર-દૂર પેલી તલાવડીનો મગર કહેતો હતો કે, 'હવે તરવાની, શિકાર પકડવાની, એવી બધી રમતોમાં મને રસ નથી. મારે હવે ઝાડ ઉપર ચડવાની રમતમાં ભાગ લેવો છે.'
'ના હોય !' બધાં આમજ 'ના હોય' એવું બોલતાં હતાં.
'હા... હા... હોય, આવું—આવું હોય એટલે એવું—એવું પણ હોય. જે ઠેકાણે ગીત હોય, સંગીત હોય, વડુંની વાતો હોય એ સાંભળવાની તાલાવેલી જાગી છે પેલા મગરને પણ.'
'ના હોય !'
'શું ના હોય ! અરે સાંભળો તો ખરા... બધુંય હોય, તમને શું સમજણ પડે ? એ મગર વડ ઉપર ચડે, લીમડા ઉપર ચડે. બાવળ ઉપર પણ ચડે ને ઊંચાં-ઊંચાં તાડનાં ઝાડ ઉપર પણ ચડે...'
'ના હોય?’
શું એ મગરને બાવળના કાંટા ના વાગે? ઊંચાં-ઊંચાં તાડનાં ઝાડની બીક ના લાગે? આ તો ભાઈ ભારેમાંનો મગર હો.'
'હા... બહુ ભારેમાંનો. હવે આવતી કાલે બાજુના આંબાનાં ઝાડ ઉપર આવવાનો છે. એના ઉપર ચડીને ઊતરી જશે બે મિનિટમાં, પછી વારો આપણા જાંબુનાં ઝાડનો.'
'ના હોય ! શું વાત કરો છો આગેવાનજી?'
'હા...હા... જે વાત સાચી છે તે કહી. વાત માનવી ન માનવી એ તમારી ઉપર છોડું છું. પછી તો જે થવું હોય તે થાય.
વડું ગીત ગાતો બંધ થઈ ગયો હતો. એના કાન વાતમાં મંડાયા હતા. 'બાપ રે... પહેલો સહુને વહાલો જીવ જ હોય. હવેથી હું બેસી રહું એવો મૂરખો નથી. મગરને ઝાડ ઉપર ચડવાની હરીફાઈમાં ભાગ લેવો છે. એટલે રોજ-રોજ કેટલાંય ઝાડ ઉપર ચડે ને ઊતરે. વળી હું અહીં બેસી રહું તો પકડાયા વિના રહું?'
હવેથી વડું એક ઠેકાણે બેસી રહેતો નથી. બીજાં વાંદરાઓની જેમ એ પણ કરે છે કૂદાકૂદ ને હૂપાહૂ૫.
તમેય બોલવા લાગજો હો... ના હોય !



