ઉંદરમામા આવે છે
ખલુ ખોલકું ખૂબ મજાનું. એનાં મમ્મી-પપ્પા એને લઈને ફરવા નીકળ્યાં. ફરતાં-ફરતાં આવ્યાં ઉકરડા પાસે. ઉકરડો જોતાં ગધેડો રાજી-રાજી. મોટે-મોટેથી એ ગાવા લાગ્યો હોંચી—હોંચી. સાથે સાથે ખલુની મમ્મી પણ ગાવા લાગી, હોંચી—હોંચી.
આવો અવાજ સાંભળીને આવ્યો એક ઉંદર. નામ એનું સુંદર. ચું..…ચું..….ચું..…. કરતાં સુંદર કહે, 'આમ રાગડા કેમ પાડો છો?’
ખલુની મમ્મી કહે, ‘મારું બચ્ચું ટાઢમાં થથરે છે.’
‘એમ વાત છે, અહીં ઊભા રહો. હું એના માટે કપડાં લઈ આવું.’ ને જોતજોતામાં સુંદર આવી ગયો. એના મોઢામાં હતું કપડું. ખલુની મમ્મીએ બચ્ચાને કપડું પહેરાવ્યું. ખલુ તો જાણે રૂડો રૂપાળો રાજાનો કુંવર! ભૂંકવાનું મૂકી ખલુની મમ્મી ગાવા લાગી,
ઉંદરમામા આવ્યા ને
સુંદર વાવા લાવ્યા.
ખલુ ખૂબ હરખાય. સુંદરમામાને જોતાં થાય રાજી-રાજી.
સુંદર તો ન જુવે રાત કે ન જુવે દિવસ.
એ કપડાં અહીંથી લાવે તહીંથી લાવે.
ઘરથી લાવે બહારથી લાવે.
નાનાં લાવે મોટાં લાવે.
લાલ લીલાં ને પીળાં લાવે.
જોતજોતામાં તો કપડાંનો મોટા ઢગ. ખલુનાં મમ્મી-પપ્પા હરખાય.
પણ આટલાં બધાં કપડાં મૂકવાં ક્યાં?
ખલુના પપ્પાએ પાછલા પગે ઉકરડો ખૂંદી નાખ્યો.
‘અહીં સંતાડો, ત્યહીં સંતાડો,
જગ્યા દેખાય ત્યાં સંતાડો.’
કપડાંના ઢગલા જ્યાં સંતાડતાં હતાં ત્યાં કુંભારકાકા આવ્યા. હાથમાં મોટી સોટી ને આંખો મોટી—મોટી. એ જોતાં ખલુ રડ્યું, એ...એ...એ.
કુંભારકાકા કહે, ‘ઉકરડો કેમ ખૂંધો?’
ખલુની મમ્મી બોલી,
ઉંદરમામા આવે છે ને
સુંદર વાવા લાવે છે.
ખલુના પપ્પા કહે, ‘એમને કપડાંની દુકાન કરવી છે ને એટલે.’
કુંભારકાકાએ પૂછ્યું, ‘ક્યાં છે કપડાં?’
‘આ રહ્યાં.’ કહેતાં ખલુએ ઉકરડો ખોદી બતાવ્યો.
કપડાં જોતાં કુંભારકાકા કહે, ‘અરે! આ ઝભ્ભો તો મારો. ને આ શર્ટ મારા દીકરાનું.’ ગુસ્સો કરતાં એ બોલ્યા, ‘ક્યાં ગયો ઉંદર? એની પૂંછડીએ લગાવું ગુંદર.’ અકળાયેલા કુંભારકાકા ગધેડાં લઈને ઘરે આવ્યા.
થોડી વાર પછી ઉંદર આવીને રીસ કરતાં બોલ્યો, ‘કપડાંની દુકાન મારે ક્યાં કરવી હતી? તમે કેમ ખોટું બોલ્યા? જાવ, હવે ક્યારેય ખલુ માટે કપડાં નહીં લાવું. આજથી બધાં કપડાં હું કાતરીશ.'
ખલુ ને એનાં મમ્મી-પપ્પા એ વાતે રીસ કરતાં લગાવે છે લાત. રોજ-રોજ કુંભારકાકા ગધેડાં ચરાવવા જાય છે. કટ-કટ કરતો ઉંદર તો એની મસ્તીમાં ગાય છે,
જાતો હોય તો જા,
મારી સામે જોતો ના.
એ સાંભળી કુંભારકાકા પણ ગીત ગાતાં કહે છે,
જાતો હોય તો જા,
કંઈ કાતરતો ના.’



