એક હતી કીડી. નામ એનું જીણી.
તે ખૂબ ભૂખી હતી.
ખાવાનું શોધતી હતી. ત્યાં મળ્યો મંકોડો.
મંકોડો કહે, ‘જીણી, બહુ ભૂખ લાગી છે. ક્યાંય ખાવાનું છે?’
જીણી કહે, ‘અરે! હું પણ ખાવાનું શોધું છું.’ ને બન્ને જણાં ચાલવાં લાગ્યાં.
મંકોડો બોલ્યો, ‘પણ આપણે જઈશું ક્યાં?
‘ક્યાં તે ગોળના ડબ્બામાં.’ જીણી બોલી.
‘જીણી હું ત્યાં જઈ આવ્યો. ડબ્બાનું ઢાકણું બહુ ફીટ છે.’
'લાવ એક પ્રયત્ન હું પણ કરી જોઉં.’
બન્ને જણાં આમ વાતો કરતાં—કરતાં ગયાં ડબ્બા પાસે. ઢાંકણ ખરેખર ફીટ હતું. જીણી અને મંકોડો ઢાંકણની આસ-પાસ ફર્યા કરે. સાવ નાની જગ્યા જોતાં જીણી ડબ્બામાં ઘૂસી ગઈ. મંકોડો તો ભાઈ રહી ગયો બહાર. એનું માથું મોટું એટલે કરવું શું? 'અરે! જીણી તો ધરાઈને ખાશે. પણ… મારું શું થશે?’ કહેતાં મંકોડો તો ભૂખે રડવા લાગ્યો.
‘ના... મંકોડા રડ નહીં.’ કહેતી જીણી તરત આવી બહાર. ‘તું અહીં જ રહેજે. હું તારા માટે ખાવાનું લાવીશ હોં.’ સાભળીને રાજી થતો મંકોડો ત્યાંજ ઊભો રહ્યો. જીણી પહોંચી ગઈ ડબ્બામાં. અંદર જઈને એ ગાવા લાગી,
જીણી છું હું કીડી,
ક્યાંથી લાવું સીડી?
ગોળ ખાતી કીડીઓ બોલી, ‘અહીં આવ… અમારી જેમ ગોળ ખા. સીડીનું વળી તારે શું છે કામ?’
જીણી બોલી,
મિત્ર ભૂખ્યો રડે,
મને ન પરવડે.
‘ના પરવડે… સાચ્ચેજ. પણ એને બોલાવને અહીં.’ બીજી કીડીઓ બોલી.
‘એનાથી અવાતું નથી. એનું માથું મોટું છે ને એટલે.' એટલું બોલી એ ગાવા લાગી,
મદદ કરો જો તમે,
તો કાનાને બહુ ગમે.
‘હૈં સાચ્ચે જ કાનાને ગમે?’ પછી કીડીઓએ બનાવી દીધી લાઈન. ગોળની નાની—નાની ઢેફી એક-બીજાને પહોંચાડે. સાવ છેડે ઊભી રહી જીણી. ડબ્બા બહાર મંકોડો મોં ફાડીને ઊભો હતો. જીણી બહાર આવી તેને ગોળ ખવડાવે. એમ કરતાં કરતાં મંકોડાનું પેટ તો ભાઈ ભરાઈ ગયું. બધી કીડીઓનું પેટ ભરાઈ જતાં એ આવી બહાર. જીણી સાથે બધી કીડી ગાવા લાગી. મોટા માથાવાળો મંકોડો પણ રાજી-રાજી થઈ ગાવા અને નાચવા લાગ્યો.
મદદ કરો જો તમે
તો કાનાને બહુ ગમે.



