'કાગડા...એય કાગડા...આવને !!
'આવું છું હોં હેતવી..’
‘હમણાં જ આવી જા ને !’
‘કેમ હેતવી, શું કામ પડ્યું મારું હૈં ?'
‘કાગડા…આ તો હું પૂરી ખાઉં છું ને… તું યાદ આવ્યો… મારા દાદાએ કાગડાને પૂરીની વાત કરી હતી, એટલે તને બોલાવું છું.’
કા…કા…કા… કરતો કાગડો આવી પહોંચ્યો. હેતવીએ એની સામે પૂરી ધરી. પરંતુ આ કાગડાભાઈએ પૂરીને ના ખાધી. એટલે હેતવીએ કહ્યું, ‘ખા ને કાગડા, પૂરી ખા.'
‘ના ભાઈ ના...મને હવે પૂરી નથી ભાવતી.’
'કેમ ? પૂરી ના ભાવે એવું ના બને…તો…તને શું ભાવે હૈં ?'
‘મને…મને…તો ભાવે વેફર્સ, કુરકુરે…હું તો એ જ ખાઉં.’
‘હટ... ગંદા’
'મને ગંદા નહીં કહેવાનું.'
‘છે ને કાગડા, હું પણ વેફર્સ, કુરકુરે ખાતી’તીને ત્યારે મારા દાદા મને કહે કે….એ ખાવાનું નહીં, એ તો ગંદુ… એ ખાય એ પણ ગંદા, એટલે મેં તને ગંદો કહ્યો..
હેતવીબેનની વાત સાંભળી દાદા આવી પહોંચ્યા. 'હેતવીબેન, સાચું બોલે છે, વેફર્સ ને કુરકુરેના પડિકાં તો પેટ બગાડે. આપણું શરીર બગાડે. અને શરીર બગાડે એટલે મજા ના આવે. પછી શું કરવાનું…’ કાગડો ને હેતવી દાદાની વાત સાંભળી રહ્યા.
'દા...દા.દાદા, તમે તે દિ' કહેતા'તા ને કે એવાં પડિકાં ના ખવાય. એવું ખાવાથી બુદ્ધિ ના વધે… ઉલટાની બુદ્ધિ બગડે. હું તો હવે નથી ખાતી એવું.'
'હા….કાગડા, હેતવીની વાત સાચી છે હોં. તારા દાદાને એમના દાદા એ બધા રોટલી, ભાત, પૂરી એવું બધું ખાતા હતા. એટલે તો ચતુર અને બુદ્ધિશાળી હતા. અડધા કૂંજામાં કાંકરા નાખી પાણી પીવાની હોશિયારી હતી એમની પાસે. તમારી પાસે છે એવી હોશીયારી ?’
'ના...ના... દાદા...ના...…એવી અક્કલ અમે વાપરી નથી જાણતા હોં… હવેથી હું પણ રોટલી, ભાખરી, રોટલો, પૂરી, ભાત, ખીચડી એવું ખાઈશ. મારે બુદ્ધિ અને શરીર બગાડતાં પડિકાં નથી ખાવાં.'
કાગડાની વાત સાંભળી હેતવી ખુશ ખુશ થઈ ગઈ. ને દાદાના ખોળામાં બેસી ગઈ. ‘દા...દા… દાદા, વાત કહોને !’



