એક હતું ટામેટું. જાડુંભમ ટામેટું. માથે ટકો મૂંડો, એટલે બધાં ટકુમૂંડું ટામેટું કહે. એ બધાં સામે ટગર-ટગર જોતું રહે. ધમધમ ધમધમ ચાલે ને ચારે બાજુ ઠકઠક કર્યા કરે.
‘એ ટમેટા, ઠકઠક બંધ કર ને. મને બહુ ઊંઘ આવે છે.’ લાલમલાલ લાલિયા ઘોડાએ કહ્યું.
‘તે ઊંઘને, કોણ ના પાડે છે. હું તો ધમાધમ કરીશ. પગમાં તોડા પહેરી છમછમ કરીશ.’
‘પછી મને ક્યાંથી ઊંઘ આવે? પ્લીઝ યાર, મને ઊંઘવા દે ને.’
‘પણ મારે ધમ ધમાધમ કરવું છે.' ખડખડાટ હસતાં ટકુમૂંડું બોલ્યું.’
સમજે એને સમજાવાય. પણ આ ટકુમૂંડું તો સમજે જ નહીં. લાલિયા ઘોડા પાસે આવીને એણે કહ્યું, ‘આપણી જોડી મજાની જામે હોં. તુંય લાલ ને હું પણ લાલ લાલ. તારા ને મારા ગાલ પણ લાલ-લાલ. આપણા બેઉં ઉપર સહુને વ્હાલ.’
લાલિયાએ ટૂંકમાં કહ્યું, 'હા.’
‘એય લાલિયા, એમ ન ચાલે. આજે ઊંઘવાનું નથી. તું ઊંઘજે આવતીકાલે.’
‘અરે! બે દિવસના ઉજાગરા છે. સૂવા દેને યાર! લાલિયો કરગર્યો.
'ના…ના...' કહેતાં ટકુમૂંડું જોરજોરથી ટકટક કરવા લાગ્યું.
કંટાળેલો લાલિયો ત્યાંથી સડસડાટ ચાલી નીકળ્યો. એ જોતાં ટકોમૂંડું બોલ્યું, “તારી સાથે સ્પર્ધા યોજી છે. જો…જો… આપણી રેસ જામી છે. તું દોડે તબડક—તબડક જ્યારે હું દોડું દડબડ—દડબડ.’
લાલિયાએ કહ્યું. ‘હરીફાઈ બે સરખાં વચ્ચે થાય બકા. તું સાવ ખોટી જિદ્દ ન કર. મારી વાત માન, તું નાનકું નટખટ ને હું ધમાધમ.’
‘ના, હવે પાછા વળાય ના. જો મારી પણ ટનાટન ચાલ. આ લાલમલાલની મજાની કમાલ!’ પાછળ પાછળ દોડતું ટકુમૂંડું બોલ્યું.
રસ્તામાં કલ્લુકાકા ને એમનો કનુ મળ્યા. લાલિયો ઊભો રહીને બોલ્યો, ‘કલ્લુકાકા, થાક્યા લાગો છો… બેસી જાવ.’ લાલિયાની પીઠ ઉપર એ બેઠા ત્યાં તો દડબડ દોડતું ટકુમૂંડું આવી ગયું.
‘લાલિયા, તું હારી ગયો. તારા કરતાં હું તાકાતવાન! લે તું તો ફૂસ! કપાવી નાખ તારી પૂછ. હવે બદલી નાખજે તારો લાલલાલ રંગ.’
અકળાયેલો લાલિયો બોલ્યો, ‘રહેવા દેને મગજમારી.’
‘ના, તું હાર્યો એટલે આમ બોલે છે. હું તો ટનાટન. હું તો ધનાધન.”
‘તો એક કામ કર. આ કનુને તારી પીઠે બેસાડી દે. પછી કરીએ રેસ.” લાલિયો બોલ્યો.
‘આ કટ્ટુ કનુને હું પહોંચાડી દઈશ ઠેઠ. બેસીજા બચ્ચુ. હું તો જાડુંભમ્મ, હું તો ભારેખમ્મ!’ કનુ જેવો બેઠો એની સાથે ટામેટું તો ફસ! હવે ન ધમાધમ, હવે ન છમાછમ. ટકુમૂંડું રડમસ, આંખોમાંથી આંસુ ટપકે ટપ ટપ ટપ. રડતાં-રડતાં બોલ્યું, ‘લાલિયા તારી વાત સાચી, હરીફાઈ બે સરખાં વચ્ચે જ થાય.’



