૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

તાળી પાડે બે હાથે...

Taali paade be hathe

તાળી પાડે બે હાથે...

જશોદામા આંગણામાં બેઠાં હતાં. બેઠાં બેઠાં એ માળા પરોવે.

કનૈયો રમતો હતો ગાયો પાસે. થોડી વાર પછી એ આવ્યો જશોદામા પાસે.

‘મા…મા… મને મોતી આપને.’ કહેતાં ભરી લીધી મુઠ્ઠી. હાથમાં મોતી લઈને દડબડ મૂકી દોટ.

‘ઊભો રહે કાના… અલા, ઊભો રહે.’ જશોદામા કાનાને રોકે. પણ નટખટ કનૈયો ત્યાં ઊભો રહે? આગળ દોડે કનૈયો ને પાછળ દોડે જશોદામા. પણ કાનુડો હાથમાં ન આવે.

જશોદામા થાક્યાં. એ તો પાછાં વળ્યાં. થાકીને ઘેર આવીને બેઠાં. ત્યાં તો કનૈયો પણ આવ્યો પાછો ઘેર. ઘર આગળ આવ્યો ત્યાં તો દીઠો મોર. ટે…હું… ટે…હું કરતાં મોર કહે, 'કાના… તું મારું મોરપીંછ જો. એ તને ગમે છે? હું તને એ આપવા આવ્યો છું.’

‘એ તો મને બહુ ગમે છે હોં.’ કનૈયો બોલ્યો.

મોર કહે, ‘તો લે… પણ મને તારી સાથે રમાડીશ?’

'હાસ્તો, કેમ નહીં?

સાથે-સાથે રમશું ને સાથે સાથે જમશું.

સંપીને જો રહીશું, તો તો સહુને ગમશું.

કાનો તાળી પાડી ગાવા લાગ્યો. પણ ગાતાં—ગાતાં એના હાથમાં મોતી છે એ ભૂલી ગયો. મોતી હાથમાંથી વેરાઈ ગયાં. જઈને મોરના પીંછામાં ભરાઈ ગયાં. મોરપીંછા તો ખૂબ સુંદર દેખાવા લાગ્યાં.

મોર અને કાનાની રમત જોઈ જશોદા થયાં રાજી રાજી. કાનાના હાથમાંથી પીછું લઈને ભરાવ્યું તેના વાંકળિયાળા વાળમાં. રૂપાળો કાનો મોરપીંછાથી વધારે સુંદર દેખાયો. વાડામાં બાંધેલી ગાયો એ જોઈને હસવા લાગી. નાનાં વાછરડાં કાનાની આસપાસ ફરવા લાગ્યાં. મોર કળા કરી નાચવા લાગ્યો.

આવું જોઈ જશોદામા ને નંદબાબા હરખાયાં.

ત્યાં ગૌરી ગાય ગાવા લાગી,

કાનો મારી સાથે રમે છે,

કાનો તારી સાથે.

મોરપીંછ માથામાં મૂકી

તાળી પાડે બે હાથે.

શેર કરો: