૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

સૂરજ પકડે કાન

Suraj pakde kaan

સૂરજ પકડે કાન

જંગલમાં સાવજનું જોર,

વગડામાં બોલે છે મોર.

મોરલાઓ કંઈ જાણે નહીં ને વાત ચાલી મોરનાં નામે. મોરલાઓ તો નાચે, કૂદે, કળા કરે ને ગીતો મજાનાં ગાય.

કોણ જાણે પણ મોરના નામે વાત પહોંચી વાદળી પાસે. વાદળીઓ પણ ગાવા લાગી,

જંગલમાં સાવજનું જોર,

આભલિયે સૂરજનો તોર.

પંખીઓ ઝાઝું સમજી શકતાં નહીં, છતાં વાત આગળ ચલાવવાનું કામ એમને સોંપી બધાં નીકળી ગયાં. પંખીઓ તો કલબલ કલબલ કરતાં ઊડતાં હતાં. આવડે એવાં, અને સમજાય તેવી ભાષામાં વાતો કરતાં હતાં. જે સામે મળે એને કહેતાં હતાં, 'આ... સૂરજદાદા આભલામાં બહુ ગરમી કરે છે, તો વળી જંગલમાં સાવજ પણ પોતાની ગરમી બહુ બતાવે છે. સામાવાળાઓને ડરાવે છે, ધમકાવે છે. તપાવે છે, ધખાવે છે. અમારે કરવું શું?’

પંખીઓની વાતો પહોંચી ઠેર-ઠેર ને ઘેર-ઘેર.

આભે છે સૂરજની ગરમી,

ધરતી પર સાવજની ગરમી.

'બાપ રે બાપ ! આ લોકોની ગરમીથી બાપ તોબા... તોબા !' કંટાળેલાં પંખીઓ હૈયાવરાળ કાઢતાં બોલી ઊઠે.

ઊડતાં-ઊડતાં પંખીઓ તો પહોંચે આભલે. નાની-મોટી વાદળીઓ કરે દોડા-દોડી વાદળીઓને આમ દોડતી જોઈ પંખીઓ કહે, ‘ખરી છો તમે તો... આટ-આટલી વાદળીઓ છતાં સૂરજદાદાની ગરમી ઉતારી શકતી નથી ? તમે જાણો છો? ધરતી ઉપર એક ચૌદ વરસની ચારણની દીકરી સાવજને સાવ ઠંડોગાર કરી નાખે. હાથમાં લાકડી લઈ એ દીકરી ભલભલા સાવજની સાન ઠેકાણે લાવી દે... ને અહીં તમે સૂરજની ગરમી સહન કરો છો? એકતામાં બળ છે, તમે જાણો છો કે નહીં?

બધી વાદળીઓ વિચારવા લાગી. આ પંખીઓ નાનાં પણ વાત લઈ આવે મોટી. વળી, વાત પણ જરાય ના ખોટી. ચાલો... આપણે પકડીએ સૂરજદાદની ચોટી. આપણે ક્યાં ખાઈએ છીએ કોઈના ઘરની રોટી?

‘ફરી વળો... ફરી વળો, ઝાલો સૂરજને. બધીય થાય એક, શાને ગરમી કરે છે સૂરજ? આમ અમને હંફાવે, અમને સહુને ડરાવે-ધમકાવે એવા સૂરજની સાન ઠેકાણે લાવીએ. આવી ગરમી ચલાવી લેવાય નહીં... ચલાવીએ નહીં.' મોટી વાદળી બોલી. એ સાંભળી બધી એક-મેકમાં જોડાઈ ગઈ.

આભે જુઓ તો નાની-નાની વાદળીઓ દોડતી હતી. મોટી વાદળી નાની-નાની વાદળીઓને બોલાવતી હતી. બધીયના એક જ સૂર હતા.

જોડાઈ જાવ બસ, જોડાઈ જાવ.

સૂરજ ઢાંકી દેવો સાવ.

આવું સાંભળી હસે સૂરજદાદા. પેલાં પંખીઓને થયું કે અમારી વાત સાંભળી વાદળીઓ કેવી કામે લાગી ગઈ સઘળી ? શું અમે પણ આવી રીતે ભેગા મળીને કામ ન કરી શકીએ?

વાદળીઓની પાછળ સંતાયેલો સૂરજ અલપ-ઝલપ કરતો બહાર આવે. બીજી વાદળીઓ લાગ જોઈને બેઠી જ હોય. જેવો સૂરજ ડોકાય તેવો એને પાછો ઢાંકી દે. પંખીઓને પણ આવી રમત જોવાની મજા પડે. એ તો ઊંડે ઉપર ને ઉપર. આભે જેટલાં ઊંચાં જવાય એટલાં જાય, ને આ રમતની મજા માણે. એમ કરતાં-કરતાં પંખીઓની નજર એકા-એક પડી નીચે. ઊડતાં પંખીઓના પડાછાયા નીચે દેખાતા હતા. એક પંખીએ બીજાને વાત કરી, ને બીજા પંખીએ ત્રીજાને. વાત પાછી એમ વધી ગઈ આગળ ને આગળ.

આપણે વાદળીઓની પેઠે ભેગાં થઈને ઊડીએ... આપણા પડછાયાથી આપણે પણ ગરમી કરતા સાવજને ઢાંકી દઈએ. ચાલો ઊડીએ ચાલો ઊડીયે. આભમાં બધાં પંખીઓ સંપ કરીને સાથે ઊડે છે એ કાંઈ એમ જ નથી ઊડતાં. પેલી વાદળીઓની પેઠે એ પણ સાવજ સામે ખેલે છે દાવ. ફાવે છે કે નથી ફાવતી એ વાત બીજી. પણ એકતામાં બળ છે, એ વાત જાણી ગયાં છે, અને સાથે-સાથે ઊડે છે.

સૂરજદાદા વાદળીઓનો વળગાડ દૂર કરી બહાર આવે કે તરત બીજી વાદળીઓ ઢાંકી દે છે. એમ કરતાં-કરતાં તો પડી સાંજ, પછી સૂરજદાદાની ગરમી ઓછી થાય. થોડા ટાઢા પડેલા સૂરજદાદાને જોઈ વાદળીઓ ગાવા લાગે,

ગરમી ઉતારી સૂરજની ને,

કીધો ટાઢો બોળ.

ચાંદામામા આવીને તમે,

વહેંચો મીઠો ગોળ.

ગોળ શું વહેંચે ચાંદામામા? રાત પડે કાળી ને બધાં જાય ઊંઘી. મોરલાઓ કશું જાણે નહીં ને એમના નામે વાતો વહી. સૂરજદાદા તો સાવ ભૂલકણા. આજનું આજે ભૂલી જાય ને કાલે હતા એવા ને એવા. પેલી વાદળીઓ તો રાખે યાદ ભારે હોં. મોરલાઓએ આપણને મજાની વાત બતાવી. ભારે શરીરનાં કારણે ઊડીને ન અવાય એટલે પંખીઓને મોકલીને કહેવડાવી વાત... આપણે મોરલાના ગુણ ભૂલવા ન જોઈએ.

બસ, પછી તો વાદળ ગડગડે ને મોરલા બોલી ઊઠે. થનગનતા મોરલા સૂરજની ગરમીથી અકળાય ને બોલે ‘મે...આવ.' આવું સાંભળીને વાદળીઓ તલપાપડ થઈ જાય. મારે જવું છે... ધરતી ને ભીંજાવવા... મારે દોડવું છે ધરાને પલાળવા... એમ બધીય વાદળીઓ મોરલાને મળવાને, ધરતી પલાળવાને દોડી આવે. એવા માહોલથી પંખીઓ ડરીને બેસી જાય ઝાડ-પાન કે કોઈ બખોલમાં.

આ બધુંય નાટક જોતા સૂરજદાદા પકડે પોતાના કાન. 'આ ચોમાસામાં ને શિયાળામાં ઝાઝી ગરમી નહીં કરું બસ, હવે તો રાજીને?'

શેર કરો: