૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

શિયાળના કાવા-દાવા

Shiyalna kava-dava

શિયાળના કાવા-દાવા

સસલો અને કાચબો - એ હરીફાઈમાં સસલો હારી ગયો. એ વાતે ખુદ સસલો પણ માની ગયો હતો. બધુ શાંત પડી ગયું હતું, પણ... જેમ-તેમ કરીને રાજાનો મંત્રી બની બેઠેલા પેલા શિયાળને ચેન પડતું ન હતું.

એક સાંજે ગયો એ સસલા પાસે . પોતે જંગલના રાજા સિંહનો મંત્રી છે. ખાસ અંગત છે, તેવી વાતો કરીને સસલાને પટાવતો હતો.

'સસલા... તું સાવ નાનો છે, હજુ તારામાં ઝાઝી સમજ નથી. તું શું જાણે દુનિયા ? બાકી પૂછી જો દુનિયાને. પેલા કાચબાને તો દોડતાં જ આવડતું નથી. ચાલે છે પણ માંડ-માંડ. વળી હરીફાઈમાં એ તને હંફાવે? હું આ વાત જરાય માનતો નથી.'

'વાત તો મારા પણ સમજમાં નથી આવતી, પણ જે થવાનું હતું તે થઈ ગયું. જૂની વાતો યાદ કરીને, એને વાગોળીને ફાયદો શું?' સસલો સીધી વાત બોલી ગયો.

'ફાયદો છે ગાંડા... ફાયદો છે. ફાયદો તને અને મને બેઉને. તું હવે વચમાંથી ખસી જા. દાવ હવે હું લઉં છું, તને નંબર અપાવીને જ રહીશ.'

'રહેવા દોને નાહકની મગજમારી.' સસલાએ વિનંતી કરી.

'ના... હવે ખબરદાર ! તારી પણ ખેર નથી. વચમાં બોલવાનું જ નથી. મારે મારો દાવ ખેલવો છે. જોવાનું હવે તારે.' કહી ખંધુ શિયાળ નીકળી ગયું.

સસલો અને કાચબો તો આ વાત વિસરી ગયા હતા. સમાધાન પણ થઈ ગયું હતું. બેઉ જણાંએ સહુ-સહુની દિશા પકડી લીધી હતી. છતાં શિયાળને હંમેશાં કાવા-દાવા કરવા ગમતાં. કોણ જાણે આગળ શું થશે તે.

ખંધુ શિયાળ ગયું કાચબા પાસે, 'હું તારી જીત થઈ એ વાત માનતો નથી. '

કંઈ નહીં.' કાચબાએ શાંતિથી વાત પતાવી.

'નહીં ચાલે... હું છું રાજાનો મંત્રી. મને ઓળખે છે આખું જગ. સમજે છે મને?'

'હા... સમજું છું. ઓળખું છું...'

‘બસ તો... હું હવે તારી વાત નહીં સાંભળું. સમજી ગયોને તું?'

સાંભળવી હોય તો સાંભળજો, ને ન સાંભળવી હોય તો તમારા ઘેર બેસી રહેજો. મને એમાં કોઈ તકલીફ નથી. પણ આવું તો શિયાળને સંભળાવાય જ નહીં. મનોમન બોલતો કાચબો પોતાની ડોક દબાવી ઢગલો થઈ બેસી ગયો.

કંટાળેલું શિયાળ નીકળી ગયું આગળ. હવે.. હવે આગળ કોને મળું ? પેલું સસલું કહેતું હતું કે હું આરામ કરવા એક ઝાડ નીચે રોકાયો. વળી ઠંડો પવન વાયો ને હું ઊંઘી ગયો. સમયનું ભાન ભુલાઈ ગયું. પછી તો જે થવાનું હતું તે થઈ ગયું... આવી તે કાંઈ દલીલ હોય?

કાવા-દાવા કરવામાં હોશિયાર શિયાળ આમ વિચાર કરતું ઊભું હતું. એકાએક જોરદાર પવન ચાલુ થયો. હા, આ પવનને પૂછવું જોઈશે, કહેતાં એણે પવનને ભીડી બાથ.

‘આખરે તું ઝડપાઈ ગયો ખરો. હવે મને કહે કે સસલા અને કાચબાની હરીફાઈ ચાલતી હતી તે ટાણે તારે ફરકવાની શી જરૂર ?'

'બસ, એમ જ.' બીજી વાત જ નહીં... નવરાશ જ ન હતી પવન પાસે તો. બાથમાંથી છૂટી એ ભાગી ગયો દૂર-દૂર.

'બસ, એમ જ... જાણે એના બાપાનું રાજ ન હોય.' અકળાયેલું ખંધુ શિયાળ ચાલતું-ચાલતું આવી ગયું ઝાડ પાસે.

'સાવ... મૂરખના સરદાર. પવન તો આવે ને જાય, પણ તારી ડાળી, પાંદડાં એ બધાને ઠેકાણે રાખતાંય શીખતું નથી. વૃક્ષ દેવ... શાનું દેવ? કોણ કહે દેવ? આમ ઠંડો પવન કરી દેવાય? ઝાડ નીચે ઊંઘતા સસલાને ઉઠાડી ન દેવાય? ગરમ-ગરમ લૂ સૂરજદાદા વરસાવે, ને તું? કોઈ વાત જ નથી સમજતું... આ બધી ગરબડ તારાં કારણે થઈ. ઠંડક રાખી ન હોત તો સસલો ઊંઘી જાત નહીં ને દોડીને નંબર પહેલો લાવી બતાવી દેત !'

વૃક્ષ તો શું બોલે? પણ મનોમન વિચારતું હતું, આ પણ ખરું છે ખંધુ. કોઈ હોય શાણું તે બેઉની લડાઈ છોડાવે. સામેનાં પાત્રને સમજાવે, એના બદલે આ તો કારણ વિનાનું મને હેરાન કરે છે. મારી સાથે બાખડે છે. આને તો કહેવું પણ શું? ને કરવું પણ શું?

કંટાળેલા વૃક્ષે તો એનું કામ ચાલુ રાખી પાંદડાઓને ગીતો ગાવાનું કહી દીધું, પાંદડાંઓ તો ફરરર, ફરરર... ગાવા બેઠાં ગીતો.

રાજા સિંહના બની બેઠેલા આ મંત્રી અકળાયા, ને આદેશ કર્યો કે, 'વૃક્ષને કાપી નાખો.' આદેશ એટલે આદેશઃ લોકો વૃક્ષ કાપવાના કામમાં લાગી ગયાં. ‘બેની લડાઈમાં ત્રીજો ફાવે’ એ કહેવત તો હતી જાણીતી. પણ... બેની લડાઈમાં ત્રીજો નવાણિયો કૂટાઈ જાય, એવું આપણે સમજતાં જ નથી. બસ, પેલા શિયાળનું ફરમાન બહાર પડેલું છે. આપણે એ વાત જ મનમાં ઘુસાડી દીધી છે. બીજા કોઈની વાત કાને ધરતાં જ નથી, અને આડેધડ લાકડાં કપાય છે. આપણે મૂંગા, બહેરા ને અંધ હોઈએ એમ રવાના થઈ જઈએ છીએ. ખંધા શિયાળના કાવા-દાવા પણ સમજવા જોઈએ. શિયાળે પોતાનું જ ચલાવવા ગામનાં ઝાડ જ નહીં, સીમનાં, જંગલનાં એમ કેટલાંય ઝાડ કપાવી પોતાનું ધાર્યું કર્યું. આજે પણ કરે છે ને કરાવતું રહે છે.

બની બેઠેલા મંત્રીમાં ઝાઝી સમજ હતી જ નહીં ને? એમના કાવા-દાવાનાં કારણે હેરાન થાય છે સસલો પણ. પેલો કાચબો તો જતો રહ્યો પાણીમાં. ગીચ ઝાડી કપાઈ ગઈ છે. પશુ-પંખીઓ અને સઘળાં જીવો હેરાન-પરેશાન થાય છે.

શિયાળ શું ચલાવે રાજ-કાજ? આપણે સાંભળવો આપણા અંદરનો અવાજ. વૃક્ષો આપણને કેટલાં બધાં ઉપયોગી છે તે જાણો. આપણા ઉપર ઉપકાર કરનારાનો નાશ કરાય ખરો ?...

શેર કરો: