પૂજાબહેનનું છમવડું
મા... મા... છમડવું...
કા… કા… કરતી કાગડીએ બચ્ચાને પૂછ્યું… ‘ક્યાંથી લાવ્યું છમવડું ?…
બચ્ચું બોલ્યું...
‘પૂજાએ આપ્યું...' બચ્ચું તો ખુશીથી ખાય ને કા... કા... કરતું ગાય.
પૂજાને ઘેર જઈશ,
છમવડું ખઈશ.
આવું ગીત સાંભળી ચીં-ચીં કરતી ચકલી આવી. ‘ઓ હો… નાના બચ્ચા, તું ક્યાંથી લાવ્યું છમવડું ?
કા... કા... કરતું ખુશીમાં આવી બચ્ચું બોલ્યું... ‘પૂજાના ઘેરથી’
છમવડું જોઈ ખુશ થતી ચકલી ગાવા લાગી...
પૂજાને ઘેર જઈશ,
છમવડું હું ખઈશ.
ચીં-ચીં ચકલી તો ઊડી ફરરર… એ તો ગઈ પૂજાને ઘેર. પૂજાએ તો ચકલીને પણ છમવડું આપ્યું. ચકલી તો છમવડું લઈ ઊડી ગઈ. એ તો એક ઝાડ ઉપર બેઠી—બેઠી ખાતી હતી. ત્યાં દેખાયાં કાબરબાઈ. કાબરબાઈએ પૂછ્યું, ‘ચકીબહેન, ચકીબહેન, છમવડું તો મને પણ ભાવે. ક્યાંથી લાવ્યાં છમવડું?…’ ચકી બોલી, ‘પૂજાના ઘરેથી’… કાબરબાઈ તો આ સાંભળીને ઊડ્યાં. એ તો પહોંચ્યાં પૂજાને ઘેર. પછી ગાવા લાગ્યાં..
પૂજાને ઘેર જઈશ,
છમવડું હું ખઈશ.
કલબલ કરતાં કાબરબાઈને જોઈ પૂજાએ આપ્યું છમવડું. કાબરબાઈ તો હરખાયાં. પછી ખાવા લાગ્યાં છમવડું.
એટલામાં તો કા… કા… કરતું કાગડીનું બચ્ચું આવ્યું. પાછળ—પાછળ આવ્યાં ચકીબહેન. કાબરબાઈ તો ત્યાં જ હતાં. આ બધાંને જોઈ પૂજા ખુશ થઈ ગઈ. ત્યાં તો આવી પૂજાની મમ્મી. પૂજા તો પંખીડાં સાથે ખાતી જાય ને કા… કા..., ચીં... ચીં… કરતી જાય. પૂજાને જોઈ પંખીઓએ ગીત ગવરાવ્યું…
છમવડું ભાઈ છમવડું,
પૂજાબહેનનું છમવડું.
પૂજાને ઘેર આવો,
છમવડું તીખું ખાઓ.
નાનું—નાનું બચ્ચું ખાય,
ચકલી ખાય, કાબર ખાય.
છમવડું ભાઈ છમવડું
પૂજાબહેનનું છમવડું.



