પતંગો થોકબંધ બેઠા હતા. દુકાનમાં આમ બેસી રહેવાનું એમને ગમતું ન હતું. નાની-નાની પતંગીને પણ ભાગી જવાનું મન થતું હતું. એમને તો ઊડવું હતું ઊંચે-ઊંચે. વળી પેલી મોટી ઢાલ તો દુકાનદારથી ડરે છતાં અમને સહુને એ ડરાવે. આવું ના ચાલે હો... પતંગો સમય મળે એટલે થોડી વાત-ચીત કરી લેતા.
દુકાનદાર રહીમચાચા પતંગો વેચે. નાની-મોટી ને રંગ-રંગીન પતંગો. ફિરકીઓના ફાલ ને પિંડલાઓ લાલ-લાલ. કોઈ લઈ આવે રોકડા રૂપિયા, ખરીદીને લઈ જાય પતંગો આજ ને આજ. કેટલાક કરે વાયદાઓને કહે, 'લઈ જાશું કાલ.'
દુકાનમાં ગ્રાહક ન હોય તેવે ટાણે પતંગો વાતે વળી જાય. પેલી રાતીતો વળી ગીત ગાવાની શોખીન, એ ગાઈ ઊઠે,
હું રાતી આભે ઊડવાની,
હું કાલે પવનમાં ઝૂલવાની.
'હા..હા.. તુંય ઊડીશ, ને અમે પણ, આ રહીમચાચાની દુકાનેથી આપણે જઈશું. પછી તો કોઈ-કોઈને મળશે નહીં. 'મોટી ઢાલ બોલી ઊઠી,
'ના હો, આપણે તો મળતા રહેવાનું. એક ઢગલામાં રહીએ છીએ, તો કેમ મળવાનું નહીં ?' સફેદ પતંગ બોલી ગઈ.
એવું બનશે જ નહીં. આપણે તો આભે ચડીશું. અલક-મલકની વાતો કરીશું. અહીંથી ઊંડીને ઉપર વાતો કરશું, મળશું, હરશું-ફરશું ને મોજ-મજા કરીશું.' કાળી પતંગે પોતાની રાય જણાવી.
બધાય પતંગો રહીમચાચા બહાર ગયા ને વાતોમાં થયા મશગુલ. રહીમચાચાની દુકાનેથી છૂટવું હતું, ને આભે પણ ઊડવું હતું. વળી, આભે ઊડતાં-ઊડતાં મજાનાં ગીતો ગાવાં હતા. દુનિયા જોવી હતી, ને વાતો પણ કરવી હતી.
જોત-જોતાંમાં ઉત્તરાયણ આવી ગઈ. પતંગો દોરી વડે બંધાઈ ગઈ. પવનના ઝપાટે ઊડી આકાશમાં. પેલી રાતી પતંગ ઊડતી હતી એની પાસે આવીને ઊડવા લાગી કાળી પતંગ.
આનંદમાં આવી જઈ કાળી-પતંગ કહેવા લાગી, 'ઓહ રાતી તું?'
રાતી તો કંઈ જ ન બોલી.
'અલી... રાતી, મારી વાત સાંભળે છે ?'
'ના' રાતીએ ગરમ મિજાજથી જવાબ દીધો.
'ખરી છે તું તો... એટલામાં ભૂલી ગઈ ચાલ, આપણે વાતો કરીએ.' કાળી બોલી.
'મારે નથી કરવી, તું કર્યા કર વાતો... નવરી.' રાતીએ કાળીનું મોં તોડી લીધું, ને પવનમાં ઝૂલવા લાગી.
કાળી પતંગને કાપો તો લોહી ન નીકળે. એ તો ખસી ગઈ દૂર. આગળ-પાછળ થાતી એણે નજર દોડાવી તો પેલી ઢાલ આભમાં દાદી જેવી લાગતી હતી. કાળી પતંગ એ બાજુ ઊડતી-ઊડતી પહોંચી ગઈ. રાજી થતાં બોલી, 'વાહ રે ઢાલ, આભની દાદી તો જાણે તું જ છે હો.'
'તું દાદી.. તારી સાથે મને વાત કરવી જ નથી. ખસી જા, મારા મારગમાંથી.'
ઢાલનો આવો મિજાજ જોતાં કાળી સમસમી ગઈ. રહીમચાચાની દુકાનમાંતો બધાં સંપની વાતો કરતાં હતાં. બધાં અહીં આવીને કેમ આમ વર્તે છે? કાળીને એ વાત કઠી. એ તો ચાલી નીકળી આગળ.
આભમાં હવે ઘણી બધી પતંગો ચગતી હતી. ગુલાબી ને પીળી. લીલી ને લાલ. વળી પેલી નાની-નાની પતંગો હવામાં ગોથાં મારતી હતી. કેટલીક ઊંચે ઊડવા ગડમથલ કરતી હતી. એ જોઈ કાળીને થયું, નાની-નાની પતંગોને હું મળી આવું. એમની સાથે થોડી વાતો કરી આવું. આભના હાલ જણાવી આવું. કાળી તો પહોંચી ગઈ નાની-નાની પતંગો પાસે.
કાળી પતંગને આમ પાસે આવતી જોઈ નાની પતંગોએ બૂમરાણ મચાવી મૂકી, 'કાળી.... તું તો દૂર જ રહેજે. અમને ઊડવા દે, વચમાં આવીશ નહીં. આ તે કેવી ટેવ? તું ઊડ ને, અમને ઊડવા દે. શું કામ હતું તે આમ દોડી આવી?' નાની પતંગો જેને જેમ ફાવે તેમ બોલવા લાગી. કાળી તો બધાંયનું સાંભળી પાછી જ વળી ગઈ. મનમાં સમસમી ગઈ. આ તો બધીય છે ચરબીની ભરેલી. એક દિવસમાં જ બદલાઈ ગઈ બધીય. કાલે બોલતી હતી કંઈક ને આજે બોલે છે કંઈક.
કાળી પતંગની આંખમાં આવી ગયાં આંસું. ડબ..ડબ.. ડબ. એની આંખો રડવાનાં કારણે લાલધૂમ બની. સફેદ પતંગે એ જોયું. એ કાળી પતંગથી છેટે રહી બોલી, 'કાળી શી વાત છે?'
કાળી પતંગ કહે, ધોળી... આવ તો મારી પાસે. મારાં દુઃખની વાત તને જણાવું . કાં... તો... તું મારી પાસે આવ કાં... તો.. હું તારી પાસે આવું, પછી માંડું વાત.'
'ના હો... પાસે આવવુંય નથી, ને વાત સાંભળવીય નથી... દૂર જ રહેશે મારાથી.! કહેતી સફેદ પતંગ ચાલી નીકળી.
એક ઝાડની ડાળ સાથે કાળી અથડાઈ ગઈ. જોત-જોતાંમાં ફસકાઈ ગઈ. એ જવાબ શોધતી હતી કે શા કારણથી આજે બધાંયનાં વર્તનમાં બદલાવ આવી ગયો ?
ભરાયેલી કાળી પતંગને જોતાં ઝાડનાં પાંદડાઓ ફર-ફર કરતા સમજાવતાં હતાં કે,. 'તારે આમ રડવાનું નહીં. આ તો પવન અને દોરીનું જોર છે. ધાબે-ધાબે કલશોર છે. બધીય પતંગોને ડર છે કે હું કપાઈ જઈશ તો ? મારે તો ઊડવું છે, બેસી રહેવું નથી... ને એ કારણોસર આજે તારી સાથે કોઈ વાત કરતું નથી.' કાળીને આખીય વાત સમજાણી. ડાળે ભરાયેલી કાળી ગરજી ઊઠી. ‘ઊડો-ઊડો, ઊડજો હો... કોઈએ અટકવાનું નથી.'



