૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

પટપટ હું પરપોટો

Pat pat hu parpoto

પટપટ હું પરપોટો

એક હતો પરપોટો. પાણીમાં તરે, હવાની દિશામાં ફટફટ ફરે. અજવાળામાં અવનવા રંગો ધરે. વચમાં કોઈ આવે તો એને કરગરે.

‘જો જો હોં, સાચવીને… નહીંતર હું તો ટપ.’

‘ઓહો ટપભાઈ, તારું જ નામ પરપોટો પટપટ ને?’

'હાસ્તો જિયુ, હું તો તને ઓળખું છું. ભણવાનું તને બહુ ગમે છે નહીં? રમતાં-રમતાં પણ તું બોલે… હું તો સ્કૂલે જાઉં છું.’ પરપોટાએ કહ્યું.

‘ને પરપોટા, તું તો કેવો મજાનો. નદી-તળાવે તરવા જાય છે. વાહ ભઈ વાહ.

એમ વાત-વાતમાં બન્ને બન્યા ભાઈબંધ. પરપોટો તરે પાણીમાં. એ તો તરતો જાય ને મજાનું ગીત ગાતો જાય,

પટપટ હું પરપોટો,

થાતો નાનો મોટો.

પાણીમાં પણ પટપટ,

ઝટપટ પાડી લ્યોને ફોટો.

આવું ગીત સાંભળીને જિયુ હરખાય. પોતાની ચોપડી બતાવી એ પણ ગીત ગાવા લાગ્યો,

ચોપડી મારી વ્હાલી—વ્હાલી,

એમાં ક—ખ-ગ.

ચકલીનો ચ કેવો મજાનો,

ને બકરીનો બ.

‘વાહ જિયુભાઈ વાહ. તમને બહુ બધું આવડે છે તો મને ભણાવોને. મને પણ ભણવાનું બહુ ગમે.’

‘પણ… તને શું ભણાવું?’

પરપોટો કહે, ‘તને આવડે એ.’

‘મને આવડે ક—ખ—ગ. બીજુ અ—આ—ઈ-ઈ ને ત્રીજું A.B.C.D. આવડે છે. ચોથું, એકથી દસ પણ આવડે છે બોલ.' નાની-નાની આંગળિઓથી ગણતાં જિયુ બોલ્યો.

‘મને પણ શિખવાડીશ એવું?’

'હાસ્તો, કેમ નહીં?’

‘તો… તો… આપ પ્રોમિસ.’ પરપોટાએ હાથ લંબાવ્યો.

'ઓ. કે.' કહેતાં જિયુએ જ્યાં પરપોટાને તાલી દીધી ત્યાં તો પરપોટો પટ. ફૂટી ગયો ફટ. જિયુ થયો રડમસ.

ત્યાં તો પરપોટો બોલ્યો, ‘જિયુભાઈ… જરાક કરોને હસાહસ. આ જુઓ… હું તો તમારા એકડાની બાજુમાં.’

હસતાં-હસતાં જિયુ બોલ્યો, ‘ઓય પરપોટા, એને તો કહેવાય દસ.’

પરપોટો ખુશ થઈ બોલ્યો, ‘મને આવડી ગયું... બસ!’

શેર કરો: