વેકેશન પડી ગયું... રમવાની મજા. મજા... ફરવાની મજા... મજા... બાગ-બગીચે ઘૂમવાની મજા... મજા. ગીતો ગાવાની ને અંતાક્ષરી રમવાની મજા... મજા... બધાં બાળકો આનંદમાં હતાં. ગીત ને પ્રીત, હેરી ને ફેરી. સંવાદ ને પ્રસાદ, ઓમ ને ભોમ બધાં શેરીનાં છોકરાં સાંજના સમયે ભેગાં થયાં.
'ઓમ, આપણે રમશું શું?'
‘ભોમ, આપણે રમશું હુતુતુ...'
ગઈ. “ના હોં ભાઈ, એવું ના ચાલે... અમને હુતુતુ નથી રમવું.' કહેતી હેરી-ફેરી તો રિસાઈ
‘કોઈએ રિસાવાનું નહીં, કોઈએ લડવાનું નહીં. કોઈએ આંખમાંથી આંસુઓ લાવવાનાં નહીં. વૅકેશન છે બધાં હળી-મળીને રમો. બધાં આનંદ કરી બધાંયને ગમતી રમત રમો. નહીંતર દિવસો આમ ને આમ પૂરા થઈ જશે.' શંકરદાદાએ સમજાવી વાત.
છેવટે બધાં એક મત ઉપર આવી ગયાં. આપણે રમવી અંતાક્ષરી. બધાં રાજી-રાજી થઈ ગયાં. ગીત અને પ્રીત તાલી પાડવા લાગ્યાં. ઓમ અને ભોમે વગાડી ચપટી. સંવાદ અને પ્રસાદ સિસોટીઓ લઈને આવી ગયા ને મોટે-મોટેથી વગાડી. આનંદ કઈ છૂપો રહે? એક શેરીનાં છોકરાં રમતાં હતાં એ જાણીને બીજી શેરીનાં છોકરાં આવી ગયાં, જોત-જોતાંમાં તો કેટલાંય બાળકો ભેગાં થઈ ગયાં. અંતાક્ષરી રમવાની છે એવું જાહેર થતાં વાર શી?
ઝાડ ઉપર બેઠેલાં પંખીઓ સઘળાં મૌન થઈ બેસી ગયાં સાંભળવાં. 'આજે તો કેવી મજા... મજા. નવાં-નવાં ગીતો સાંભળવાં મળશે' ચકલી બોલી,
ને આપણને નવાં ગીતો ગાવાની પણ પડશે મજા' કાગડી બોલી ઊઠી.
'અરે! આપણે પણ સાથે-સાથે ગાઈશું' કાબરડી બોલી ગઈ.
'ના... ના... હોં, તું તો ચૂપ જ રહેજે, નહીંતર કશુંય સંભળાશે નહીં.' પોતાની રાય મેનાએ આપી. હવે ચૂપચાપ સહુ સાંભળવાના મૂડમાં હતાં.
ગીત કહેવા લાગી, 'ટીલી ગણવાની કેવી રીતે?' એ બાબતે બધાંય એક-બીજાને સામું જોતાં ઊભાં. પરંતુ કોઈ નિવેડો તો આવે જ નહીં. કોઈ બોલે, આમ ને કોઈ કહે તેમ. કંટાળીને ફેરી ગાવા માંડી ગીત....
એકડો આવડી ગયો હવે તો,
બગડો શીખવો કોઈ.
ત્રગડો થઈ ગયો ભારે તગડો,
ચોગડો રહેતો જોઈ.
હેરી બોલી ઊઠી, ગાવ હવે 'ઈ' ઉપર ગીત.
બે ભાગલામાં હજુ સહુ આધાં-પાછાં થતાં હતાં. સમય પસાર થઈ ગયો, છતાં કોઈ મેળ પડતો ન હતો. બધાંની બૂમો સંભળાણી... 'કશું સંભળાતું નથી, કંઈ સમજાયું નહીં. ફરી ગાવ... આમ ...'
કોઈ મોટે અવાજે કહેતું હતું કે... 'ઈ' નો તો થાય 'અ'. હવે 'અ' ઉપર કંઈક ગાવ. પણ વાત કોઈ સમજવા તૈયાર નહોતાં. કંટાળીને ફરી ફેરી ગાવા લાગી,
એકડાએ અખરોટ ખાધીને,
બગડો બદામ ખાય.
ત્રગડો કહેતો, 'આખું-પાખું,
આમ કદી ન ખવાય.
'હવે સંભળાયું ને? તો... ગાવ ગીત 'ય' ઉપર તમારે 'યતિ' નો ય.
બધાની ચર્ચા ચાલી અંદરો-અંદર. 'ય'નો થાય 'અ' ને 'ળ'નો થાય 'લ'. 'ણ'નો થાય ન,' એવા નિયમો તો જણાવો. શ,સ,૫, ના તો છે ઢગલા. એમાં કયા 'શ' ઉપર ગાવાનું ?
બાળકો તો બાળકો. બધાય પોત-પોતાનું પકડે. કોઈ છોડવા જરાય રાજી નહીં. ઝાડ ઉપર બેઠેલાં પંખીઓ ગીતો સાંભળવા આતુર હતાં. પરંતુ વાત આગળ વધતી જ નહીં. અરે! અટકી ગઈ પીન 'ય' ને 'અ' બાબતે.
એમ કરતાં-કરતાં ભાઈ પડી ગઈ રાત. વાળુ કરવાને સારું બૂમો પડી ઘેર-ઘેરથી. બધાય રમત મૂકી પડતીને દોડી ગયાં સહુ-સહુનાં ઘેર. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ... એમ કરતાં-કરતાં વેકેશન પૂરું થયું પરંતુ અંતાક્ષરી તો રમાઈ જ નહીં. રોજ-રોજ બધા ભેગા થાય, આમને આમ નવું-નવું નાટક ચાલે. નવા-નવા ફંદા નાખે. કોઈ તો વળી ઉગેલા બાગમાં કાંટા નાખે તો કોઈ નાખે કાંકરા.
બાળકોનાં આવાં નખરાં જોઈ શંકરદાદા કહે, 'આવી રીતે તો કાંઈ રમાતી હશે રમત? કાલે સવારે આવજો. રમત કેવી રીતે રમાય એ હું તમને શીખવાડીશ. પણ... આવવાનું વહેલી સવારે છ વાગે.
છ...છ... ને છ. એવું ગોખતાં-ગોખતાં બાળકો ગયાં ઘેર. સવારના અંતાક્ષરીનાં સપનાં જોતાં-જોતાં સૂઈ ગયાં. સવારે બાળકો દોડી-દોડીને આવી ગયાં. શંકરદાદા વડલાના ઝાડ નીચે બેઠા હતા. બધાંય બાળકોને શાંતિથી સાંભળવાનું સૂચન કરતા હતા. નાક ઉપર આંગળી મૂકીને ચૂપ રહેવાનું જણાવતા હતા. મિત્રો, તું...તું, મેં મેં. કરવા જઈએ તો કદાપિ આગળ વધાય જ નહીં. સાંભળો, આ પંખીઓ રમે છે મજાની અંતાક્ષરી. ચકલી ને કાગડો, કાબરને કબૂતર, હોલો ને તેતર, મોર અને પોપટ બધાંય પંખીઓ ગાય છે ગીત મજાનાં.
તમે સાંભળીને? પંખીડાં ગાય છે ગીત ને રમે છે રોજ-રોજ અંતાક્ષરી.



