ઢબ ઢબ ઢબઢબ ઢબુભાઈ.
ધીમું—ધીમું ચાલે ઢબુભાઈ. એ થોડું ચાલે ત્યાં તો ધબ.
જાતે ઊભા થાય ને બોલે ધબ ધબ.
એને જોઈને કરોળિયો થયો રાજી—રાજી. એ ગાવા લાગ્યો કરાંજી-કરાંજી,
કમ કમ કમકમ કમ ઢબુભાઈ
ધબ ધબ ધબધબ ધબ ઢબુભાઈ
પમ પમ પગલીવાળા ઢબુભાઈ
ધૂળની ઢગલીવાળા ઢબુભાઈ
ઢબુભાઈ જોઈ રહ્યા. કોણ બોલ્યું ભાઈ કોણ બોલ્યું? ત્યાં તો ભીંતેથી આવી દોરી, સમસમ… સાવ પાતળી પમ. દોરીના છેડે સળવળ-સળવળ. નક્કી કંઈક ગરબડ—ગરબડ. ઢબુભાઈ દોડ્યા દડબડ દડબડ.
‘એય, તારું નામ શું?’
‘મારું નામ કરોળિયો.’ એવું બોલતાં—બોલતાં એ ઉપર ચડવા લાગ્યો. સીડી વિના સડસડાટ. એ જોતાં ઢબુભાઈએ પકડી જીદ.
‘મને આમ ચડવું છે. મને તારા જેવું શીખવને.’
ઘડિયાળ પાછળથી મોં કાઢી ગરોળી હસી ખડખડાટ. 'અરે ઢબુભાઈ, તમને એવું ના આવડે.’
‘કેમ ન આવડે. એં… એં… એં… તું એની પાસે જઈને એને કહેને.'
‘હું શું કામ કહું લે… તારે દૂરથી કરવાની સહુને જે…જે...જે…’ ઢબુભાઈ રડતા બંધ થઈને બોલ્યા, ‘આ વળી કોણ બોલ્યું? કોણ બોલ્યું?’
‘એ હું બોલી ઢબુભાઈ. જુઓ… ભીંત ઉપર. ચાલો ત્યારે આવજો, ટા...ટા.'
પણ ઢબુભાઈ કંઈ સમજે? રડતા—રડતા બોલ્યા, ‘ટા... ટા... ટા… ના. મને તારા જેવું શીખવું છે. ભીંત ઉપર દડબડ દડબડ દોડવું છે.’
‘મારા પગમાં તો છે દીવાલ સાથે ચીપકવાનો જાદુ! ઢબુભાઈ તમને ન આવડે આવું. દૂધ—દહીં—ગોળ—ઘી ખાજો. તમે કાલે મોટા થાજો. પછી ધમ ધમ ધમ ધમ ચાલવાનું. દડબડ-દડબડ દોડવાનું. નટખટ-નટખટ રમવાનું... ને વીર વલ્લભ જેવા બનવાનું. મારે હરખે-હરખે અહીંથી જોવાનું.' ગરોળીને આમ બોલતી સાંભળીને કરોળિયાનાં બચ્ચાં થનગની ઊઠ્યાં.
એ જોતાં કરોળિયો બોલ્યો, ‘તમને દોડતા જોઈને અમે ખૂબ-ખૂબ હરખાવાના.’
‘ઢબુભાઈ, કોની સાથે કરો છો બકબક?’ કહેતાં દાદી આવ્યાં ને ગાવા લાગ્યાં,
પા પા પગલી પાડે ઢબુભાઈ,
પડે છતાં ન રડે ઢબુભાઈ.
ઢમઢમ ઢમ ઢોલ ઢબક્યા ઢબુભાઈ,
મરક મરક વળી મલક્યા ઢબુભાઈ.
મરક મરક ગીત સાંભળીને ગરોળી જેવું આવડે એવું ગાવા લાગી, ઢબુભાઈ… આનંદમાં આવીને કરોળિયો છત ઊપર ચડ-ઉતર કરતો રહ્યો.



