‘મમ્મી……મમ્મી… લાડુ ખાવો… લાડુ આપ… લાડુ આપ…’ માધવી સાંજે જમ્યા પછી રસોડું સાફ કરતી હતી. મનન રસોડામાં ગયો. ટેબલ ખસેડી ગોળનો ડબ્બો કાઢ્યો. પછી બોલ્યો,
‘અરે! મનન, એકલા ગોળનો લાડુ ના બને… ઘી પણ જોઈએ.’
‘લે…’ કહેતાં મનને ઘીનું ડોલકું મમ્મીને આપ્યું. માધવી જાણતી હતી કે ઘરમાં ઘી નથી. એટલે મનનને સમજાવતાં બોલી, ‘બેટા, કાલે તારા દાદા ઘી લઈ આવશે, કાલે સવારે લાડુ બનાવીશ હોં…
'ના…ના… અત્યારે જ, લાડુ આપ.'
કાન્તીદાદા વાતો સાંભળતા બેઠા હતા. લાડુ ઘી વિના કેમ બને?
એટલે દાદાએ મનનને વાત કહેવા માંડી.
‘જો મનન……એક હતી ચકલી…’
'દાદા....દાદા... મનનના ઘરથી ચકલી મગની દાળ લાવી. ને માધવી પાસેથી ચોખા —એ વાત નહીં ચાલે…. બીજી વાત કહો.'
કાન્તીદાદાએ ટાલ પાસેની ચોટલી પકડી, પછી વાત ફેરવતાં બોલ્યા, જો...જો... ઊભો ના થા, બીજી વાત છે… ચકલી હવે દાળ-ચોખા લેવા નથી આવતી… એને તો દુકાન છે પોતાની. મોટી મોટી દુકાન, મોટા મૉલ જેટલી. એમાં બધું જ મળે.’
'હેં...દા...દા... એટલી મોટી દુકાન ?’
‘તો એ દુકાન ક્યાં છે ?'
દાદા જો ઠેકાણું બતાવે તો…મનનને લઈ જવો પડે, એટલે વાત ખતમ કરતાં દાદાએ કહ્યું, ‘એના માળામાં…પણ, ચકલીને ઉઠવાનો ટાઈમ થયો.'
મનને એકાએક મમ્મીને ઘોંટો પાડયો- ‘મમ્મી..મમ્મી...જા...જા... દોડ જલદી…ચકલી ઉંઘી જશે…એ… આપણા ઘેરથી રોજ રોજ ચોખા ને દાળ લઈ જાય છે… તો તું ચકલીને કહે ને કે… ઘી આપે… મનનને લાડુ ખાવો છે.’



