એક હતાં મુન્નીબેન. વાતે વાતે રિસાઈ જાય. પણ…આજે તો એ ભારે રિસાયાં. મમ્મીએ સમજાવી, બાએ સમજાવી તો ય ન સમજે. એટલે છાપુ બાજુમાં મૂકી પપ્પા આવ્યા એની પડખે…
‘ભાઈ…મારી મુન્ની કેમ રિસાણી? અરે! મુન્ની રિસાય તે ન ચાલે હોં… બોલ બેટા, કેમ રિસાણી ?'
'પપ્પા, પપ્પા, આ મમ્મી મને પટાવે છે…'
'એટલે ?'
‘જો… કાલે મને કેવી ખિજાણી’તી? કાલે કે'તી'તી કે તું હવે મોટી થઈ ગઈ છે.'
'હાસ્તો, બેટા, તું મોટી થઈ ગઈ છે.’
‘તો…તો… એ મને કેમ નાનાં નાનાં આડણી—વેલણ આપે છે ? નાનાં - નાનાં આડણી વેલણ, નહીં લઉં હવે હું. ક-ખ-ગ મને આવડી ગ્યા છે. મોટી થઈ ગઈ છું.’
'હા..હા..તું હવે નાની નથી, તું તો મોટી થઈ ગઈ છે...’
'તો મને મમ્મી એ મોટાં આડણી-વેલણ કેમ નથી આપતી ?’
‘ગીતા, મુન્નીને આમ પટાવવાનું નહીં હોં. તું જો તો એ કેવડી મોટી થઈ ગઈ છે..'
‘એ….પપ્પા, મમ્મીને ગીતા નહીં કે'વાનું મમ્મી કે'વાનું.'
'હા ભઈ હા.' મમ્મી કહીશ બસ.
‘મને ભાઈ નહીં કે'વાનું મુન્ની કેવાનું મુન્ની.’
'મુન્ની કહીશ બસ.'
પછી મમ્મી મુન્નીની રિસ પૂરી કરવા ઊભી થઈ. બીજાં આડણી વેલણ લઈ વણવા બેઠી. પોતાનાં આડણી—વેલણ મુન્નીને આપ્યાં. પછી મમ્મીએ કહ્યું, ‘લે…હવે તો ખુશને !’
બધાં કામે વળ્યાં. પપ્પા પાછા છાપુ લઈ વાંચવાં બેઠા. મમ્મી બીજા આડણી-વેલણથી પૂરી વણતી હતી. મુન્ની તો ઉઠે, બેસે, કંઈક યાદ આવે તે લાવે, વળી પાછું યાદ આવે એટલે લૂઓ લઈ વણવા બેસે.
ત્યાં તો વળી પાછી પપ્પા…પપ્પા કરતી મુન્નીએ બૂમાબૂમ કરી. પપ્પા દોડી આવ્યા. મમ્મીને બા તો જોતાં જ રહી ગયાં. વળી પાછો શું વાંધો પડ્યો ? મુન્ની તો હાથમાં લૂઓ લઈ પપ્પાને ફરિયાદ કરવા માંડી.
'પપ્પા...પપ્પા બદલો મમ્મી.
મને એ પટાવે છે.
કાળો કાળો લૂઓ મને એ,
રોજ કેમ પધરાવે છે ?'
‘જાવ, આ કાળો કાળો લુઓ લો હું નહીં લઉં...’
‘અરે! મુન્નીને બીજો લૂઓ આપો બસ. હવે… હવે… મારી મુન્ની રાજી. ને પપ્પા ગાવા લાગ્યા...’
હા…હા…હું…ઘરમાં સહુ ને કહું છું.
હું મુન્ની પક્ષે રહું છું.
આ સાંભળી મુન્ની ખુશ ખુશ થઈ ગઈ. એ તો આડણી-વેલણથી તાળી પાડવા લાગી. પપ્પા મારા… પપ્પા…મારા… પપ્પા એક ગીત ગાઉં...
હું મોટી, હું મોટી-મોટી,
પપ્પા હું ઘરમાં મોટી.
નાની છું ને દૂધ પીતી છું,
એ વાત છે સાવ ખોટી.
મમ્મી અને બાએ કાન પકડયા. મમ્મી સામું જોઈ બા બોલી ઉઠયા, ‘મુન્ની, તારી મમ્મી ઘરમાં સૌથી નાની. વળી, હું ય નાની, મમ્મી પણ નાની. તું ઘરમાં સૌથી મોટી બસ. ને મુન્ની રાજીના રેડ થઈ ગઈ. પછી બધાં ખડખડાટ હસી પડ્યાં.'



