મમ્મી, મમ્મી. ડાઘિયો આવ્યો. લાવ..… રોટલી આપ.
લે. દીકરા, ડાઘિયો ભૂખ્યો થયો હશે.
હૈં. ડાઘિયા. તને ભૂખ લાગી છે ?…
ડાઘિયો માથું હલાવવા લાગ્યો. પૂંછડી પટપટાવવા લાગ્યો. એ જોઈ મુન્નાને મજા પડી. એ તો હાથમાંની રોટલી બતાવે, ને પાછી લઈ લે. પછી મુઠ્ઠી વાળી દે. ને પેલો ડાઘિયો પૂંછડી પટપટાવતો રોટલી ખાવા ફાંફાં મારે.
આજે જાણે મુન્નાને એક નવી જ રમત મળી ગઈ. ન ખસે ડાઘિયો કે ન ખસે મુન્નો. રોટલી ખાય નહીં ત્યાં લગી ડાઘિયો જાય નહીં. થોડી વાર થઈ, મમ્મી ચાટમાં એંઠવાળ નાખવા આવી. મમ્મીએ જોયું તો… ડાઘિયાની જીભ બહાર હતી. તેમાંથી લાળ લબડતી હતી. એની આંખો મુન્ના સામે. પણ આજે મુન્નો રોટલી આપતો ન હતો.
મમ્મી બોલી, ‘મુન્ના, એને રોટલી આપી દે તો… હું તને ચોકલેટ આપું...'— ને ચૉકલેટનું નામ સાંભળી મુન્નાએ રોટલી આપી દીધી. ડાઘિયો રોટલી મોં-માં લઈ ચાલ્યો ગયો.
મુન્નો અને મમ્મી ઘરમાં આવ્યાં. ‘મમ્મી—મમ્મી, ચૉકલેટ.'
‘લે— આ રહી. જો... મારી મુઠ્ઠીમાં…’ હાથ ઊંચો કરી થોડી ચૉકલેટ દેખાડી. મુઠ્ઠીમાં ચૉકલેટ જોઈ મુન્નાએ કહ્યું. ‘લાવ… લાવ… મારી ચૉકલેટ.’
ના નહીં આપું.
મુન્નો રડવા જેવો થઈ ગયો. ‘આપને… આપી દે…… મારી ચોકલેટ.’
‘ના ભઈ ના, હું તો ના આપું.'
એં…એં...એં...પપ્પાને કહી દઈશ… કરતા મુન્નાભાઈ તો રડવા લાગ્યા.
મુન્નાને રડતો જોઈ મમ્મીએ ચોકલેટ આપી. મુન્નો રડતો બંધ થયો. ચૉકલેટ મળતાં ખુશ થઈ ગયો. પછી મમ્મીએ કહ્યું. મુન્ના હું તને આમ ટટળાવું તો મને ના ગમે, બરાબરને ? તું તો બોલે છે એટલે તું માગે, હું ના આપું તો કિટ્ટા કરે, રડે. પપ્પાને કહી દે— બરાબરને ! તું કૂતરાને આમ જ ટટળાવતો હતો. ને ?... એ બિચારો શું બોલે ? એ ઊભો-ઊભો રડે એ તને ગમે ?
‘ના મમ્મી ના, ડાથિયો રડે એ મને ન ગમે.’
‘મારા વહાલા દીકરા, મુન્નો રડે એ મમ્મીને પણ ન ગમે, ને ડાથિયો રડે એ મુન્નાને ન ગમે. બરાબરને’ કહી મમ્મીએ મુન્નાને ખોળામાં બેસાડ્યો. બહુ વહાલી કરી.
મમ્મીનું આવું વહાલ અને વહાલી... વહાલી વાત સાંભળી મુન્નો બોલ્યો. ‘મમ્મી, હવે હું એવું નહીં કરું. મને બીજી રોટલી આપને’… રોટલી લઈ બહાર ગયો પછી તે લે… લે… તું… તું… ડાઘિયા, ડાઘિયા રોટલી ખા.



