મમ્મીની કિટ્ટા.
પપ્પાની કિટ્ટા.
દાદાની કિટ્ટા.
બાની કિટ્ટા.
-ને….કિટ્ટા લાડુની પણ...
‘લે… આજે તો બધાંની કિટ્ટા થઈ ગઈ… હવે. હવે... શું કરશું ભાઈ ? આપણી કાજુએ બધાંની કિટ્ટા કરી દીધી.’ યજ્ઞેશભાઈ બોલ્યા.
‘પણ..… શું છે હેં કાજુબેન, કેમ કરતાં કિટ્ટા થઈ ગઈ ? હું તો કંઈ બોલ્યોય નથી. મારો શું વાંક ગુનો…બતાવો તો સમજાય.’ દાદાએ કહ્યું.
ત્યાં તો મંદાબા બોલ્યાં, ‘મારી પણ કિટ્ટા ? મારો કોઈ વાંક ?'
‘પણ… બતાવે તો સમજાય ને !’
‘જો…પપ્પા, મેં ના પાડી'તી ને કે ટીનુને નહીં બોલવાનું. તમે કેમ બોલ્યા ? એટલે તમારી કિટ્ટા. પપ્પાની કિટ્ટા હતી ને દાદા તમે કેમ બોલ્યા……એટલે જાવ તમારીય કિટ્ટા…ને બા, તને ના પાડી'તીને કે દાદાની સાથે નહીં બોલવાનું, તું કેમ બોલી ? એટલે તારીય કિટ્ટા. મમ્મી, બાને શું કે'તી'તી ? હું ના બોલું એની સાથે તું કેમ બોલે ? એટલે તારી પણ કિટ્ટા જા....'
'અરે ! અરે ! આમ બધાની કિટ્ટા… તો બુચ્ચા કોની ?'
'કોઈનીય નહીં....
‘મમ્મીએ લાડુ બનાવ્યો છે. .જો..જો..જો...’
'એ લાડુની પણ કિટ્ટા.'
‘ચાલો… ચાલો… આપણે કિટ્ટાની થેલી ભરીએ, બેગ ભરીએ.’ યજ્ઞેશભાઈએ કહ્યું.
‘હું….હું…હું… કિટ્ટાઓનું પર્સ ભરી દઉં ?’
'હા...હા... ભરી દે… કેટલી બધી કિટ્ટા.’
'હૈં કિટ્ટા ભરાય ? મને બતાવોને!’
‘એક શરતે… અમારી બુચ્ચા કરી દે તો…’
‘બુચ્ચા..બુચ્ચા..બધાંની બુચ્ચા, લાડુની પણ..’



