૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

કાગળની હોળી

Kagalni holi

કાગળની હોળી

એક હતો શશી. એને વરસાદ બહુ ગમે. વરસાદ પડે ને નીકળી પડે. છબછબિયાં કર્યા કરે. બહુ ભીનો થાય. પણ… શશીભાઈ તો સમજે નહીં. એ તો પલળ્યા જ કરે. મમ્મી ઘરમાં લાવે તો રડે. પપ્પા સમજાવે તોપણ ન સમજે. બસ, એને તો વરસાદમાં પલળવાનું જ ગમે.

મમ્મી મુંઝાય ને પપ્પા પણ. શશી કોઈ વાતે ન સમજે. શશીના પપ્પાએ ફોન જોડયો એમના પપ્પાને. એટલે કે શશીના દાદાને. દાદાની સાથે ઘણીબધી વાતો કરી, પછી પપ્પાએ શશીને બૂમ પાડી.

‘શશી... ઓ... શશી, જો... જો... દાદા બોલાવે છે.... ફોન લે.’

દાદાનું નામ સાંભળી શશી દોડયો આવ્યો. એ તો હતો ભીનો-ભીનો. શશીની મમ્મીએ એનું શરીર લૂછ્યું. પછી કપડાં બદલાવ્યાં. શશી તો દાદા સાથે વાતો કરવામાં મશગૂલ હતો. ત્યાં તો પપ્પા કાતર ને છાપાની પસ્તી લઈને બેઠા. દાદા સાથે વાત કરતા-કરતા શશીએ આ જોયું. પપ્પા કાગળો કાપતા હતા. એટલે દાદાને જયશ્રી કૃષ્ણ કહી શશીએ ફોન મૂકી દીધો. પછી પપ્પા પાસે બેઠો.

‘પપ્પા... પપ્પા... શું કરો છો ?'

‘બેટા, હોડી બનાવું છું, તારા માટે… જો…’

આ કાગળની હોડી,

સરરર સરર દોડી.

હાથમાં હોડી લઈ પપ્પા ઊભા થયા. 'ચાલ… શશી હોડી તરાવીએ’… શશી તો હોડી જોઈ ખુશ—ખુશ થઈ ગયો. હોડી તો વહેતા પાણીમાં ચાલી સડસડાટ. પછી તો શશી હોડી બનાવતાં શીખી ગયો ફટાફટ. વરસાદમાં પલળવાનું મૂકી દીધું, એને તો હોડી બનાવવાનો ચસકો લાગ્યો. એ હોડી બનાવે, પછી પાણીમાં તરાવા મૂકી આવે ને ગાવા લાગે…

આ કાગળની હોડી,

સરરર સરર દોડી.

અત્યારે પણ એ હોડી બનાવે છે જો…

શેર કરો: