પપ્પા... પપ્પા... મને 'ક' નથી આવડતો... મને 'ક' નથી ગમતો... લે... કર વાત ! બેટા 'ક' ન ગમે એવું ચાલે? ‘ક’ તો કક્કાનું માથું… કક્કાની શરૂઆત 'ક'થી જ થાય.
પપ્પા અંકુરને ઘણું સમજાવે, પણ ‘ક’ એને ના ગમે. કોણ જાણે પણ... ‘ક’ થી એને કંટાળો આવે. એક દિવસ પપ્પાને પૂછી બેઠો... ‘પપ્પા... પપ્પા, 'ક' વિનાનો કક્કો ન હોય’?
‘હોય ને !'
તો... એ શિખવાડો ને ?
‘શિખવાડી દઉં, ચાલો… હેર કટિંગ સલૂનમાં.’
'કેમ ? પપ્પા ત્યાં કેમ ?'
વાળ કપાવવા... આપણા અંકુરને ટકલો મૂંડો ટાઉં... ટાઉં કરાવવા
ના, હું ના આવું.
હું ટકલું ના કરાવું..
ટકલું સારું ના લાગે,
હું ‘ક’ને મનાવું.
'બસ.. હવે તું સમજ્યો…! વાળ વિના તને ના ગમે. બસ, એમ જ. 'ક' વિના કક્કાને પણ ના ગમે— વાળ હોય તો અંકુર મસ્ત લાગે. એમ જ 'ક’ હોય તો કક્કો સારો લાગે.
પપ્પા.. પપ્પા. હવે મને 'ક' ગમે છે હોં_ 'ક' - લખી દઉં ?...



