૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

હું તો પમ, ધમાધમ...

Hu to pam, Dhamadham

હું તો પમ, ધમાધમ...

એક હતું પતંગિયું, નામ એનું પમ. ફૂલ ઉપર શાંતિથી ન બેસે. એ ભૂસકો મારે ભમ. ફૂલ કહે, ‘પમ… તારી ભારે ધમાધમ. તું શાંતિથી આવીને બેસે એ ગમે.”

પતંગિયું બોલ્યું,

“હું તો ભારેખમ કરું ધમાધમ મારે ખાવું મમ.'

‘ખા ને… ભાઈ ખા. ના કોણે પાડી? આ તારી ધમાધમથી મને વાગે છે. કોઈને આમ હેરાન કરાય ના.’ પણ… આ તો પમ, કોઈની વાત સાંભળવાની ન ગમ. ફૂલ થાક્યું. ચૂપચાપ ડાળી ઉપર ઝૂલતું રહ્યું. થોડી વાર પછી પમ ઊડ્યું ફરરર..…. ફૂલ હસ્યું, 'હા… હા…હાશ.’ પરંતુ ત્યાં તો વળી પાછું એ આવીને ફૂલ ઉપર બેઠું.. ‘ધમ.’ એના ભારથી ફૂલની પાંદડીઓ રડી પડી. એં……એ...એ... એમ રડતાં-રડતાં બોલી, પમ… જરા ધીરે. તારો બહુ ભાર લાગે છે.’

પહેર્યાં. ‘લાગે જ ને. જો… જો જો મારી સામે મેં… મેં તો ગોગલ્સ

'હા, એટલે તારું વજન વધારે લાગ્યું.” એક પાંદડીએ કહ્યું.

‘હવે તું બીજા ફૂલ ઉપર જા ને.’ બીજી પાંદડી બોલી.

‘તારા ભારથી અમે સહુ નમી ગયાં. પમ, તારાં ગોગલ્સ ઉતારી દે ને.'

નહીં ઉતારું જા. મને જાણે છે ને તું.”

હું તો પમ, ધમાધમ.

ભાર લાગે તોયે ખમ.

ફૂલે પવનદેવને ફરિયાદ કરી. વાત સાંભળીને પવનદેવ આવ્યા...…

સમસમ.

કાં રે અલ્યા પમ.

નથી પડતી ગમ?'

પમ તો પવનદેવની વાત પણ ન સાંભળે. પવનદેવ બહુ ગુસ્સે થયા. ડાળીઓ ડોલવા લાગી. પમ ગભરાયું. એ ત્યાંથી ઊડ્યું. પણ ગોગલ્સ પહેરેલાં એટલે ચોખ્ખું દેખાયું નહીં. એ વળી પાછું ફૂલ ઉપર આવીને બેઠું. પવનના જોર સામે ટકવું કેમ કરતાં? એટલે ગોગલ્સ નાખ્યાં નીચે. એનું રડવા જેવું મોં જોતાં ફૂલે કહ્યું, “દબાઈને બેસી જા. અમે તારી સંભાળ લેશું.’ વાત સાંભળી પમને હાશ થઈ. પવન શાંત પડ્યો. ફૂલની માફી માગતાં પમ ગાવા લાગ્યું,

હું તો પમ, હવે નો ધમાધમ.

કોઈને ન પીડાય, એની પડી ગમ.

શેર કરો: