કતી કીડીએ પહેરી મીડી ને ચડવા લાગી સીડી… ફટ ફટ ફટ.
ત્યાં સામે મળ્યો મંકોડો. નામ એનું મૂંડો. માથું મોટું-મોટું ને સાવ પાતળી કેડ. કતી કીડીનો રસ્તો રોકીને એ ઊભો રહ્યો.
‘ઓય કીડલી, ચાલ રખડવા જઈએ.”
કતી કહે, ‘ના ભઈ ના… હું તો જરાય નવરી ના.’
મૂંડો કહે, ‘એવું ના ચાલે. તું મારી સાથે કેમ ન મ્હાલે?”
‘અરે! હું તો મ્હાલતી નથી મૂંડાભાઈ, હું તો કામ કરું છું દોડી-દોડી. હું તો જરાય નવરી ના.’
મૂંડો કહે, ‘મારી વાત સાંભળ. ઓટલે બેસવા ચાલ. થોડી ગપસપ કરીએ.'
‘ના ભઈ ના, હું તો જરાય નવરી ના.'
કતી કીડીની વાત સાંભળી મૂંડો ખિજાયો. ગુસ્સો કરતાં એ બોલ્યો, “ઊભી રહે ગાંડી. કોઈ વાત મારી તું સમજે ના. હવે તને એક કણ પણ ખાવા આપું ના.
કતી કશું બોલી નહીં. એ તો પાછી સીડી ચડવા લાગી. ફટ ફટ ફટ. થોડી વારમાં પડ્યો ધમધોકાર વરસાદ. મૂંડાભાઈ તો તણાયા. ભૂખ્યા પેટે સલવાણા. એક પથ્થર સાથે અથડાયા.
વરસાદ થયો બંધ. ત્યાં તો મૂંડાને આવી સુગંધ. કીડીઓનાં ટોળે ટોળાં ને વળી ખોરાકના ઢગ. કામગરી કીડીઓમાં ફરતી કતી રાણી આવી. મૂંડા મંકોડાના હાલ જોતાં બોલી,
ભૂખ્યાને ખાવાનું દેજો, વાત સાંભળજો આ.
દોડી—દોડી કામ કરું હું,
જરાય નવરી ના.
ખાઈ-પીને મૂંડામાં તાકાત આવી. કતી સાથે કામ કરતાં એ પણ હવે ગાવા લાગ્યો.
કામ કરીશું દોડીદોડી ગીત કામનાં ગા.
કીડીબાઈ પાસેથી શીખવું, નવરા રહેશું ના.



