‘મારી ગાડી નથી ચાલતી… મમ્મી…મમ્મી આ ગાડી નથી ચાલતી. જો ને પેલી ગાડી ચાલે છે… મારી કેમ નથી ચાલતી ?' નાનકડો ઓમ રડતો જાય ને મમ્મી ઝંખનાબેનને ફરિયાદ કરતો જાય.
‘જો, બેટા, ગાડી હમણાં જ ચાલશે… પહેલાં તું રડવાનું બંધ કરી દે… ચાલ, કોઈ રડે તો ગાડીને ના ગમે, એ તો અહીં જ ઊભી રહે… બોલ, ગાડી ચાલે કે ઊભી રહે?’ ઝંખનાબેને પૂછ્યું.
નાના નાના હાથ વડે ઓમે આંખો લૂછી નાખી. ‘હં…અ…હવે ગાડી ઉપડશે જ. બહાદુર બેટો કોનો ?' ઓમના પપ્પા મિહિરકુમાર દીકરાની વાતમાં જોડાયા.
‘પપ્પા…પપ્પા, મારી ગાડી ચાલશે ને! છુક...છુક...છુ...ક...છુક...'
‘પી...પ...પી...પ...ભાઈ, સિસોટી તો વગાડો જરા…’ મિહિરકુમારે કહ્યું.
'અરે દીકરા ! પપ્પા પીપ…કે ગાડી પીપ… રેલવે સ્ટેશને આવ્યા તે પહેલાં મેં કહ્યું હતું ને એવું કહે ચાલ…’
'પપ્પા...પપ્પા...તમે પણ ગાવ....’
છુક...છુ...ક...છુક...પીપ.
લાંબી લાંબી ગાડીની જીભ.
છુક...છુ...ક...છુક...પીપ.
લાંબી લાંબી ગાડીની જીભ.
ગાડી ઉપડવાને બે મિનિટની વાર હતી, છુક છુક... છુક... પીપ... કરતો ઓમ કંટાળ્યો. 'પપ્પા મમ્મી આપણી ગાડી...જ કેમ... નથી... ઉડતી?’
‘ઓમ…ઊભો થઈ જા… ઊભો થા… ચાલ… ધક્કો માર… તું ધક્કો માર - જોરથી…હજુ જોરથી ધક્કો માર…ઓમ તાકાતવાળો છે… જો..… જો… ગાડી ઉપડી… ઉપડી…’ પપ્પાએ મસ્તી ચાલુ કરી.
ઓમ સીટને ધક્કો મારી રહ્યો. એન્જિન જોડાયું. ઝંખનાબહેન અને મિહિરકુમાર બન્નેએ તાળી પાડી. ‘જોયું…જોયું… ઓમ… તું કેટલો તાકાતવાળો… તેં ધક્કો માર્યો ને ગાડી ઉપડી… તારાથી ડરીને ગાડી ઉપડી....’
ગાડી ચાલી એટલે તાળી પાડતો ઓમ બોલી ઊઠયો... ‘પપ્પા...પપ્પા… હું તાકાતવાળો… મમ્મી…મમ્મી… હું તાકાતવાળો… મારી ગાડી ચાલી. છુક છુક... છુક... પીપ...'



