૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

હસતી ઢીંગલી

Hasti dhingali

હસતી ઢીંગલી

પપ્પા, પપ્પા… તમને ઢીંગલી ગમે ?

હા... ગમે ને?

મને પણ ગમે...

તમને દોરતાં આવડે છે.

હા… મને દોરી આપો ને! પપ્પાએ તો મજાની ઢીંગલી દોરી દીધી. એ જોઈ મુન્ની ખુશ થઈ ગઈ. પપ્પા મને પણ આવડે છે, હું દોરું ?.....

'હા... હા... હવે તારો વારો. આમાં જોઈ-જોઈને દોર.'

મુન્નીબહેન તો બેઠાં ઢીંગલી દોરવા… ઘડીક દોરે તો ઘડીક ભૂંસી નાખે. કાગળ કરે કાળો મેંશ. વળી પાછો કાગળ ફાડી નાખે, ને બીજો કાગળ લે. વળી પાછો કાગળનો ડૂચો વાળી નાખી દે. પણ ઢીંગલી દોરાય નહીં. છતાં મુન્ની એટલે મુન્ની. ઢીંગલી દોર્યા જ કરે.

માંડ-માંડ ઢીંગલી જેવું દોર્યું. પછી પહોંચી પપ્પા પાસે. પપ્પા... પપ્પા, આને ઢીંગલી કે'વાય ?'

'હાસ્તો. ઢીંગલી જ કહેવાય, પણ… બેટી, આ તારી ઢીંગલી તો મોં ચઢાવીને બેઠી છે. તું રડે છે ત્યારે…. તારું મોં પણ આમ જ ચઢી જાય છે… પૂછી જો તારી બાને...' મુન્ની ગઈ બા પાસે.

‘બા... બા... આ ઢીંગલી મારા જેવી દેખાય છે?’…

'હા…. તારા જેવી જ. તું રડે ત્યારે આવી દેખાય છે.'

મુન્ની તો આવી પપ્પા પાસે. પછી પપ્પા બોલ્યા, ‘મુન્ની બેટા, તને હસતું મોં ગમે કે રડતું ?.. તો લાવ, એને હસતી દોરી દઈએ !”

મુન્નીએ આપ્યો કાગળ અને પેન્સિલ પછી બોલી, પપ્પા—પપ્પા, ઢીંગલીને હસાવી દ્યો ને !…”

‘પણ……. તું તાળી પાડે તો ને! ’ આવું સાંભળી મુન્ની તાળી પાડી રહી… તડ્— તડ્.… તડ્... અને નાચવા લાગી.

પપ્પાએ પેન્સિલથી ઢીંગલીનું મોં હસતું કરી દીધું. પછી તો ભાઈ, ઢીંગલી હસવા લાગી હોં… હ... હ... હ... હ... હ.

શેર કરો: