રૂડા રબારીના વાડામાં કેટલાંય ઘેટાં-બકરાં રહે. મોટાભાગે બધાં સંપીને રહેતાં, પણ... બીસુ બકરી અને ગલો ઘેટો માથાં ફરેલ હતાં. ગલો બધાના ભાગનું લીલું ઘાસ ઝૂંટવી લેતો. ખાઈ-પીને એ ખાસો તગડો થયો હતો. બધાંય ઘેટાંમાં એ અલગ તરી આવે. રૂડો તો એને ગલગોટો જ કહે.
રૂડો રબારી બધાંયને ચરાવવા લઈ જાય. સાંજ પડે સીમમાંથી પાછાં વળે. આવીને બધાંય પુરાઈ જાય વાડામાં. બસ, ખેલ પછી શરૂ.
'ઓય... ગલા, જાત ઓછી વધાર. વાડો તારા માટે જ નથી, તું આમ જાડો ને જાડો થતો જાય તો અમારે કરવાનું શું?' બીસુ બોલી.
'તું તો બંધ જ રહે બીસુડી. ચૂપ કરને ચૂપ !' ગલો બરાડે.
'તું ચૂપ કર. મને કહેવા કરતાં'.... બસ, કારણ હોય કે ન હોય પણ લડાઈ જામી જાય. બેની લડાઈમાં કોઈ પડે જ નહીં, કારણ કે જો ત્રીજો પડે તો બિચારાનું આવી જ બને. બેઉ એક થઈ પેલા વચેટિયાની દશા બેસાડી દે. બધાં આ જાણતાં હતાં, એટલે આંખો બંધ કરી ઊભાં રહે કાં તો બેસી જાય. વચમાં પડવાની વાત કોઈ કરે ના.
એક સાંજે ગલાએ બીસુનું ઘાસ ખેંચી લીધું. બીસુ બકરી બગડી. બધીય બકરીઓમાં એ હતી આગેવાન. એમાં પાછી હતી કજિયાળી. બીસુનું પેટ તો ભરાયેલું હતું, પણ... ગલો એમ ખેંચી જાય કેમનો? 'એ..ય... ગલિયા, તારામાં જ તાકાત છે એવી ખાંડ ના ફાક. હું કંઈ કમજોર નથી, સમજી ગયો ? મારું ઘાસ ખેંચવાની તારી હિંમતને હું જોઈ લઈશ હા.'
બીસુએ ગલિયાની ઝાટકણી કાઢી નાખી. વાડામાં રહેતાં કેટલાંક ઘેટાં-બકરાં આઘાં-પાછાં થઈ ગયાં. નાનાં-નાનાં લવારાં એ ડરના કારણે કરી બૂમાબૂમ. સાંભળી આવી ગયો રૂડો રબારી.
'શું છે? આમ વાડામાં દેકારો હેંનો સે ભઈ?'
બધાંય ચૂપ ઊભાં હતાં. બીસુ અને ગલો જાણતાં હતાં કે કોઈ ફરિયાદ કરીશું તો લાકડી પડશે વાંસામાં. એનાં કરતાં ચૂપ રહેવું સારું. રૂડો જાણતો હતો કે ગલો અને બીસુ બેઉં બળવાખોર છે, એટલે પાસે આવીને ઊભો...
'બીસુ બોલ... તારું મોં ખોલ, વાંધો હું સે ?'
બીસુ તો સાવ મૌન બની ઊભી રહી.
'ગલા... કંઈક તો બોલ ભલા, હેની સે બલા ?'
ગલો તો ચૂપચાપ હસતો હતો.
રૂડો કશું કર્યા વિના ચાલતો થયો. બીસુ અને ગલિયો હસી પડયાં ખડખડાટ. એ જોઈ ગલો કહે, 'બીસુડી, આમ હસતી હોઉં ત્યારે સારી લાગે છે તું. બાકી સાવ બદમાશ..'
'તું પણ તારી જાતને દાદો ગણે છે ને ત્યારે બકવાસ લાગે છે, ને મારી વાત સાંભળતો કે સમજતો જ નથી.
બસ, પછી કોણ સારું દેખાય છે? કોણ સારું લાગે છે ને જામી ગઈ ચડસા-ચડસી. વાડામાં હાજર બધાય કહેતાં હતાં, 'છોડો વાત. બેઉં સુંદર છો, બેઉં પહેલવાન છો. બેઉં મજાનાં છો, બેઉ ઝાઝરમાન છો.' પણ નંબર પહેલો કોનો ? એ વાતે પાછી ચડભડ.
'ઓય... બીસુ, હું તને લઈ જાઉં, એ તલાવડીમાં આપણે જોઈને કહીશું કે કોણ સારું દેખાય છે...' ગલો અને બીસુ વાડામાંથી નીકળી ગયાં.
બીસુ અને ગલાને ના જાવ, ના.. જાવ... કહી બીજાં ઘેટાં-બકરાં સમજાવે, પણ આ બેઉ કાંઈ સમજે?
તલાવડીના કિનારે બેઉં પોતાનું પ્રતિબંબ જુએ.
ઘેટો કહે, 'હું રૂડો રૂપાળો રાજાના કુંવર જેવો લાગું છું.'
બકરી કહે, 'હું મોટી મહારાણીને શરમાવે એવી સુંદર લાગું છું.”
વાત બેઉંની જામી હતી. હજી હાર-જીતનો કે પહેલો-બીજો નંબર આવે કે મળે તે પહેલાં તો... બીસુ ખેંચાણી. તળાવ કિનારે પડેલા મગરે બીસુનો પગ પકડી ખેંચી જ લીધી. બીસુ તો બેં...બેં...બેં કરવા લાગી. એનું રુદન પેલા ગલા ઘેટાના કાને ગયું. પણ મગર સામે ઘેટાની તાકાત શી? ગલો તો નાઠો બીસુને છોડીને.
ચાલતાં-ચાલતાં ગલો આવી ગયો વાડામાં. બધી બકરીઓ અને ઘેટાંઓ વાટ જોઈને બેઠાં હતાં.
'કાં-ગલાભાઈ કોની જીત થઈ?'
ગલો મૌન ઊભો હતો.
'ઓય, ગલાભાઈ, બીસુબહેન કેમ ના દેખાણાં ?'
ગલો શું બોલે?
ગલાનું મોં નીચે પડી ગયું. રૂડા રબારીએ જાણી સઘળી વાત. બધાંયના દેખતાં દંડો ફટકારી ગલાને અધમૂઓ કર્યો.
'એક બકરીને બચાવી ન જાણી. ફટ ભૂંડા... તારી આબરૂ કાઢી. કહેવાયો ગલગોટો, પણ... તાકાતનો ખોટો... શું જુએ છે સામે? સાવ પાણીનો પરપોટો. આવા ખેલ કરવા કરતાં વાડામાં જ શું ખોટો હતો? તારી બે—આબરૂ થાય, સે તને કંઈ ભાન-બાન સે ખરું?'
એ સાંજથી આજ દિન સુધી ગલો કશુંય બોલતો નથી. આબરૂ સાવ કોડીની થઈ ગઈ. ગલાએ પોતાના બધાય મિત્રો, સગાં-સંબંધી સહુને જણાવી વાત એક જ, 'આપણે હવે મૂંડી નીચી લઈને જ ચાલવાનું. આબરૂ ગઈ એ ગઈ. એમ કંઈ થોડી પાછી આવે ?'
સમજાયું ને તમને ? ઘેટાઓ મૂંડી નીચે રાખીને કેમ ચાલે છે તે. બીસુ અને ગલાની ચડસા-ચડસીમાં બીસુ ગઈ પાણીમાં ને ગલાની આબરૂય ગઈ કાયમની. બસ તે દિ' થી ઘેટાઓની મૂંડી નીચે થઈ.



