એક હતી નદી. ખળ—ખળ… ખળ… વહે. આનંદમાં રહે. એ તો દોડતી જાય, કૂદતી જાય. હસતી જાય ને ગાતી જાય…
હું નદી છું ખળ… ખળ… ખળ...
ઊભી રહું ન એકે પળ.
દાદા... દાદા... નદી આમ દોડે… મારી જેમ ?
હા…. એમ જ દોડે… ચાલ સાગર, આજે તને નદી બતાવું… પછી સાગર તૈયાર થયો. ભાઈ સાગરે તો પહેર્યાં નવાં—નવાં કપડાં. ને નાના—નાના બૂટ. એ તો લઈને આવ્યો દાદાની લાકડી.
'દાદા-દાદા... લો... આ લાકડી, મને નદી બતાવો ને!’ કહેતાં-કહેતાં સાગરે દાદાનો હાથ પકડ્યો. દાદાએ લાકડી ઝાલી. પછી દાદા ગીત ગાવા લાગ્યા.
ચાલો… નદીએ જઈએ,
ગીત મજાનું ગઈએ.
સાગરને પણ ‘ગીત મજાનું ગઈએ’… ‘ગીત મજાનું ગઈએ’… એવું ગાવાનું ગમ્યું. બંને બેઠા રિક્ષામાં ને ઊપડ્યા નદીકિનારે. નદી તો વહેતી હતી. હસતી હતી, રમતી હતી ને ગીત ગાતી હતી…
હું નદી છું ખળ… ખળ… ખળ,
ઊભી રહું ન એકે પળ.
‘દાદા... દાદા... નદી ઊભી ન રહે?...’
‘ના! બેટા, એને તો જવું છે એક ગામથી બીજા ગામ. એક પહાડથી બીજા પહાડ. ’
‘એને તો કેટલાં બધાં કામ...’
'દાદા, નદી ને કામ હોય?...'
‘હા, બેટા. કામ તો બધાંને હોય. એક ગામથી બીજે ગામ પાણી પહોંચાડવાનું. લાકડાંઓ ખેંચી જવાનાં, ખેતી કરવા ખેડૂતોને પાણી આપવાનું... પશુ-પંખી અરે ! માનવથી માંડી જીવ-જંતુ તમામને પીવા માટે પાણી આપવાનું... '
‘હૈં, એટલા બધાં કામ?...'
‘હા ભઈ, કેટલાં બધા કામ! તોય હસતી ને હસતી, ખળ… ખળ..… ખળ… તારે તો એક જ કામ, માત્ર ભણવાનું, તોય તું કંટાળે, રડે. બોલો ભાઈ... એવું ચાલે?'
ના દાદા ના. દાદા જુઓ....
હવે હું ભણવાનો.
નદી પેઠે હસવાનો.
‘શાબાશ બેટા શાબાશ! નદી હસે છે ખળ… ખળ… ખળ… આપણે હસીએ હા... હા... હા... હા...’



