પૂજા ભારે તોફાની. કંઈનું કંઈ આડું—અવળું કર્યા કરે. મમ્મી સમજાવે, બા સમજાવે. ‘બેટી... બહુ તોફાન ન થાય !'
'કેમ... કેમ બા, કેમ ન થાય! હું તો તોફાન કરવાની...'
‘હા... હા.. તોફાન તો કરે. છોકરાં તોફાન ન કરે તો કોણ કરશે ?…’ કહી દાદાએ પૂજાનો પક્ષ લીધો. ખાઈ-પીને સહુ વાતે વળ્યાં. ત્યાં તો બા બોલ્યાં… ‘અરે! પૂજા દેખાતી નથી. દોડ… દોડ… કંઈક આડું—અવળું… કરતી હશે…’ મમ્મી દોડી ગઈ રસોડામાં. જઈને જોયું તો દીકરી કામે વળગેલી. મમ્મીના આંખે અંધારાં જેવું લાગ્યું. ‘અલી……. એ… શું માંડ્યું છે આ?” કહેતી મમ્મીએ બૂમ પાડી.
બંને વાટકી નાખી પૂજા ભાગી ત્યાંથી. દાદાએ પૂછ્યું, “દીકરી, શું નવા-જૂની કરી આવી? પૂજા બોલને બેટા !'
‘શું બોલે… કપાળ…’ પૂજાની મમ્મીએ છણકો કર્યો. ‘દાળ ભેગા ચોખા કર્યા ને ચોખા ભેગી દાળ. હવે… હવે… શું કરશું ?...'
‘અરે ! અરે ! બેટા, ચિંતા શી? વરસનું તારું કામ કર્યું મારી દીકરીએ. ને તું લઢે છે. કેટલું કામ કર્યું હેં મારી દીકરી?… કામગરી છે બહુ. આવ બેટી, થાકી ગઈ હશે.’ દાદાએ આમ ઉપરાળું લીધું એટલે પૂજા વળગી પડી. મમ્મી ખિજાઈ, ને લાડ કરતી કહેવા લાગી… ‘હવે… હવે શું કરવાનું?
દાદા ને પપ્પા એકસાથે બોલી ઊઠ્યા, ‘બીજું કંઈ નહીં, માત્ર ખીચડી.’ ‘હેં મમ્મી, ચકા-ચકીએ બનાવી હતી તેવી?’



