મમ્મી, તારી બંગડી આપને !
લે… આ બંગડી… પણ બંગડીનું તું શું કરીશ ?…
હું ઢીંગલી દોરું છું… બંગડી આપી મમ્મી કામ કરવા ગઈ. મોના બેઠી બા પાસે, ઢીંગલી દોરવા. મોનાબહેને તો પેન્સિલ લીધી, કાગળ લીધા. બંગડી લીધી, રબર લીધું. ફૂટપટ્ટી લીધી ને લીધા રંગ-રંગીન કલર. પછી બંગડી કાગળ ઉપર મૂકી પેન્સિલ ફેરવી… ત્યાં તો બન્યું... સરસ ગોળ-ગોળ બન્યું. એટલે મોના ખુશ થઈ ગઈ. એ તાળી પાડી મોટેથી બોલી, ‘બા... બા... જો... જો... ગોળ, ગોળ.’
‘વાહ રે મારી દીકરી ! ગોળ-ગોળ છે હોં. બહુ સરસ બનાવ્યું ગોળ.'
બા, તને આવું આવડે ?
ના ભઈ, મને ન આવડે.
મને તો આવડે છે…
પછી મને શીખવજે હોં...
હું ઢીંગલી બનાવી દઉં ને પછી...
દાદા માળા ફેરવવા બેઠાં, ને મોના બેઠી ઢીંગલી દોરવા. થોડી વાર ગડમથલ કર્યા કરી. પછી એ ઊભી થઈ ગઈ. બા પાસે આવી બોલી, …બા જો, આને ઢીંગલી કે'વાય.'
'સરસ... બહુ સરસ.' ત્યાં મમ્મી આવી. ‘ઓહો… મારી ઢીંગલીએ ઢીંગલી દોરી ને ! પણ... બેટા ઢીંગલીનું પેટ ક્યાં ?… એ ખાય તો ક્યાં જાય, હેં ?... જો... તારે પેટ છે ને ! તો એને પણ પેટ હોય ને ?
મમ્મીના હાથમાંથી કાગળ લઈ પેટ દોર્યું...
મમ્મી જો... સરસ છે ને! એનું પેટ દોરી દીધું બસ.
હા... હા... બહુ સરસ. બા બોલી ઊઠ્યાં.
મારી ઢીંગલી, મારી મોના બહુ સરસ ઢીંગલી દોરે છે હોં… મમ્મીએ આજુબાજુ સહુને કહ્યું. કાગળ લઈ મોના બધાંને બતાવવા દોડી ગઈ. જો… જો... મેં ઢીંગલી દોરી... તમને આવું આવડે છે ?...



