માટીનું એક ઢેકું.
એ હતું મસ્ત-મસ્ત ઢોકળા જેવું.
નામ એનું ઢેફાસિંહ ઢોકળિયા.
ફૂલેલા ગાલ ને ફૂલેલી ફાંદ.
એ જોઈ હરખે સૂરજ ને ચાંદ,
ઠક ઠક ઠક ઠક ચાલે, વળી માટીમાં મ્હાલે.
ઝટપટ જીવડું ઝાલે, પછી હાથ ફેરવે ગાલે.
આવા મજાના ઢેફાસિંહ નદીએ ન્હાવા ચાલ્યા. એમની પાસે રાખેલા મોબાઈલની રિંગ વાગી. ટ્રીન-ટ્રીન-ટ્રીન. પછી એ વળગ્યા ભાઈ વાતે.
‘હા, રાજાજી આવું છું. મારી સાથે દેડકાંઓને લાવું છું.’
વાત સાંભળતાં મોટો દેડકો બોલ્યો, ‘નાની નાની દેડકીઓને તું જો તગતગ. કેવા ઠેકડા ભરે છે ઝટપટ. જ્યારે તું તો ચાલે ડગમગ—ડગમગ. અમે ના આવીએ તારી સાથે.’
ઢેફાસિંહ ખિજાણા, પણ કરે શું? એ હતા એકલા ને દેડકાં હતાં બહુ. દેડકાંઓને રાજી કરવા ગાવા લાગ્યા ગીત,
હું ઢેફાસિંહ સુંદર,
મને બોલાવે રાજા ઉંદર.
હું કૂદકા લગાવું મોટા,
રાજા સંગે પડાવું ફોટા.
દેડકાં તો છે સાવ ખોટાં,
ઢેફાજી ગુલાબ ગોટા.
આવું ગીત સાંભળીને ચકલીઓ હસી પડી. ઢેફાસિંહ ચમક્યા. જોયું તો સામે હતો મોટો પથ્થર. એના ઉપર ઊડાઊડ કરે ચકલીઓ.
એમાંથી એક ચકલી આવી. ચીં.ચીં.ચીં… કરતી એ બોલી, ‘વાહ.. વાહ... ઢેફાસિંહ ઢોકળિયા.’
એવું સાંભળીને દેડકી કહે, ‘આમ ખોટી-ખોટી વાહ-વાહ ન કરાય.’
ચકલી બોલી, ‘ઢેફાસિંહ કહે છે કે, હું પણ કૂદકા મારું છું. લ્યો! એ વાત કંઈ જેવી તેવી છે?’ ઢેફાસિંહ એ વાતે ભારે ફુલાયા.
નાનાં દેડકાંઓ તો કૂદતાં જ રહ્યાં. એ જોતાં મોટા દેડકાએ કહ્યું, ‘શાબાશ, આમ કૂદતા રહેવાનું. હજુ મોટા કૂદકા લગાવો. વાહ.. વાહ… જબ્બર ઠેકડા મારો છો હોં.’ વાત સાંભળીને સહુએ ગળું ફુલાવ્યું. એ જોઈને ચકલીઓ પણ થઈ રાજી—રાજી. નાનાં દેડકાંઓને શાબાશી આપી ઝાઝી. ત્યાં તો ઢેફાંસિંહ ઢોકળા જેવી ફાંદ ઉપર હાથ ફેરવતા બોલ્યા, ‘હું પણ મોટા કૂદકા લગાવું છું.’
બધી ચકલીઓ બોલી ઊઠી, ‘એ રહેવા દ્યો…તમારું કામ નહીં.’ દેડકાં બોલ્યાં, ‘ઢેફાંસિંહ, આમ કોઈના વાદે ચડીએ નહીં.’ પણ ઢેફાસિંહ ઢોકળિયા માને? એ તો બોલ્યા,
હું કૂદકા લગાવું મોટા.
રાજા સંગ પડાવું ફોટા.
બધાં ના ના ના… કરતાં રહ્યાં પણ ‘તમે મને રોકવાવાળા કોણ? હું છલાંગ લગાવું મોટી, વાત ન મારી ખોટી.’ કહેતાં મોટા પથ્થર ઉપર લગાવી છલાંગ. ભફ ભફ ભફ ભફાંગ……. ઢેફાસિંહના તો ભુક્કે ભુક્કા. ડ્રાઉં-ડ્રાઉંના ડોળા એ જોતાં મોટા થઈ ગયા. ચી.. ચીં... કરતી ચકલીઓએ ગાયું,
દેખા-દેખી જો કરીએ.
તો ભાગી ભુક્કો થઈએ.



