એક ઘટાદાર લીમડાનાં ઝાડ પાસે એક ખાબોચિયું હતું. પાણી હતું, પણ ખૂબ ગંદું. ઊના ઊંટને કાંઈ તરસ નહોતી લાગી, છતાં લીમડો ખાતાં-ખાતાં ગયું ખાબોચિયા પાસે.
ખાબોચિયાની પાસે હતો એક મોટો પથરો. પથરો પણ લીલનાં કારણે લીલો ને કાદવનાં કારણે કાળો દેખાતો હતો. એકાદ આંટો મારીને ઊનો ઊંટ લીમડા પાસે આવી ઊભું, એ તો લીમડો ખાતું જાય ને આસપાસ નજર ફેરવતું જાય. અચાનક એની નજર પડી તો... ખાબોચિયા પાસેના મોટા પથરા ઉપરથી કંઈક આધું—પાછું થતું હતું. એકધારી નજર કરી એ જોતું હતું. 'આ તો... દેડકાં છે, ડબ-ડબો ડબ દેડકાં. ખટપટ, ખટપટ કરતા ખટપટિયાં દેડકાં. ટગર ટગર આંખો ફાડીને જોઈ રહેતાં દેડકાં. ઊનાને દેડકાં જોવામાં મજા આવી ગઈ. મજાનો લીમડો ખાતું જાય, ને દેડકાંઓને જોતું રહે.
દેડકાઓ તો કરે કૂદાકૂદ. અંદરો-અંદર કરે પૂછા-પૂછ. વાતો કરતાં ચૂપા-ચૂપ. અંદર ઊતરી જાય પાણીમાં ને પાછાં આવી જાય કૂદીને પથરાની ઉપર, વળી પાછું ઘુસ-પુસ ઘુસ-પુસ. આમ તે શું કામ કરતાં હશે? આવી કોઈ રમત હશે! આવો તે કોઈ અવસર હશે? આમ દેડકાઓની જાન આજે આધી-પાછી કેમ થાય છે ?
પૂછવું તો પડશે જ. પૂછીએ તો સમજાય. કહે તો પડે ખબર. કોઈ તકલીફ હોય તો હું મદદે જાઉં. પણ... મને એમ કેમ કરતાં સમજાય ? ઊનો પણ એના ડોળા ફાડી જોવા માટે ઊભો.
દેડકાઓના ડોળા તો તમે જાણો જ છો. નાનાં-નાનાં દેડકાઓ પણ આંખો ફેરવે ગીલ-ગોળ, ન મળે પોપચાં કે ના મળે ભમર. નાનકડી આંખો પણ દેખાય મોટી-મોટી. ઊનાની આંખો અને દેડકાની આંખો જોતી હતી એક-બીજાને. ઊનો એ કારણે હસતો હતો. હસતાં-હસતાં અવાજ થઈ ગયો મોટો તો આ તરફ દેડકાંઓની ઘુસ-પુસ વાતો આવી બહાર. ઊનાએ કાન સરવા કરી વાત સાંભળવા માંડી.
'અરે ! આપણે આમ જ કૂદતા રહેવાના. કૂદાકૂદ કરશું તો એક દિવસ ઊના જેવા લાંબા-પહોળા ને ઊંચા થઈશું. બાકી ખાઈ-પીને બેસી રહીએ તો... તો... મોટા થવાશે જ નહીં.' આગેવાન દેડકો બોલી ગયો.
વાત સાંભળી બીજા દેડકાં કહે, 'હા...હા... આગેવાનજી, વાત તમારી સાવ સાચી. આપણી જાન જોડાયેલી જ રહેવી જોઈએ. જાન એટલે જાન, એ બાબતે આપણા કામમાં આઘી-પાછી નહીં ચાલે.' કડક મિજાજના એક દેડકાએ પોતાની રાય આપી જ દીધી.
'ચાલો કૂદો ફટાફટ... લાંબા કૂદકા લગાવવાથી ઊના પેઠે લાંબા થવાશે. ઊંચા કૂદકા લગાવવાથી ઊના જેવા ઊંચા થવાશે. વારંવાર આમ કૂદતાં જ રહીશું તો ભૂખ ઊઘડશે. ભૂખ ઊઘડે એટલે જોઈએ ખાવાનું. વધારે ખાશું તો કાલે મોટા-મોટા થાશું.' એક ઘરડો દેડકો આવી વળી સહુને સમજાવતો હતો. નાનકડાં દેડકાંઓને કૂદવા માટે ડુંગરાવતો હતો.
વાત પડી ઊનાના કાને. ઊનો હસતો હતો ખડખડાટ. પોતાનું હસવું રોકી શકતો ન હતો. આ જોઈ દેડકાં વિચારતાં હતાં, આ ઊનો કેમ હસે છે આમ ? આવું ખડખડાટ હસવાનું કદી જોયું જ નથી ને!
ઊનો હવે લીમડો ખાવાનું છોડી પેલા ખાબોચિયા પાસે આવી ઊભો. દેડકાં-હવે ઊનાથી જરાય ગભરાતાં ન હતાં. અહીં તો એવું થયું કે ઊનાને જોઈ દેડકાં વધારે જોશમાં આવી ગયાં, ને ગાય ગીત...
દોડજો રે દેડકાં દોડજો રે,
આપણી શોભાવો જાન.
કૂદજો રે દેડકાં, કૂદજો રે,
ડ્રાઉં-ડ્રાઉંનાં કરી ગાન.
ઊનો તો ગીત સાંભળી રાજી-રાજી થઈ ગયો. દેડકાં સામું જોઈ કહેતો હતો, 'ઓ...હો...હો... તમે તો બહુ મજાના છો. મને તમારી પેઠે કૂદતાં, તરતાં, દોડા-દોડી કરતાં, પથરા ઉપરથી ખાબોચિયામાં પડતાં ના આવડે હોં. આવી મજા તો દુનિયામાં ન જોઈ. તમારી મજા તો સાવ જુદી, જાણે નંબર વન.
દેડકાઓના રાજીપાને કંઈ કહેવાય? એ તો થયાં ઉતાવળાં. ઊનાને પોતાનો પરચો બતાવવા, પથરા ઉપર ચડે, ખાબોચિયામાં પડે. ખાબોચિયાનાં પાણીમાં તરે, તરીને પથરે ચડે... આમ, એમની જાન ચાલુને ચાલુ. કૂદાકૂદ કરતાં દેડકાં જુએ ઊના સામે, તો ઊનો ઊભો ઊભો મલકાય. વળી, નાનકડી દેડકીઓ તો બહુ તોફાની. કોઈનું સાંભળે જ નહીં. બસ, ધમાલ કરવાનું શૂરાતન જાણે માથે સવાર !
'અલા... હું ઊંચો કૂદકો લગાવી જાણું છું.'
‘તારા કરતાંય વધારે ઊંચી હું કૂદી'તી.’
'જા...જા...જા... તમારા બેઉના કરતાં મારો કૂદકો ઊંચો હતો. તમને ના દેખાણું પણ આપણા આગેવાન આપણને સહુને કહેતા હતા એ મને દેખાયું. તમે કાંઈ જોયું?' એક દેડકી નાનકડી બોલી ગઈ. સાવ સાચકલી વાત બોલે છે? મને કહેને મને કહેને કહેતાં બધાં દેડકાં ભેગાં થઈ ગયાં.
ઊનો ઊંટ તો બાઘો બની ઊભો. આ શું જોવાની વાત હશે ? 'મને પણ જણાવશો કે તમે શું જોયું? મેં તો કશું જોયું જ નથી.' ઊંટ પણ પોતાની વાત રજૂ કરી.
'તમને તો દેખાય જ કેવી રીતે? અમને બધાંયને થતું હતું મનોમન કે બધાં પશુઓ કે જે અહીં પાણી પીવા આવે છે એમને માથે શિંગડાં હોય છે. તમારે માથે એવાં શિંગડાં છે કેમ નથી ?' એક દેડકી બોલી ગઈ... વાત સાંભળી ઊનો અને બધાં દેડકાં હસતાં-હસતાં સહુ-સહુનાં કામે લાગી ગયાં.



