૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

દાણા વીણી ખા...ખા...ખા...

Dana vini kha

દાણા વીણી ખા...ખા...ખા...

કાળા-કાળા કાગડા ભાઈ,

મોટા તાણે રાગડા ભાઈ.

એ… કાગડા, અહીં આવ… જો… મારી બા વાત કે’છે તારી. તને વાર્તા સાંભળવી છે ?… બહુ મજા આવશે હોં… પછી બાયે માંડી વાત… શિવ, જો સાંભળ…… એક હતા કાગડાભાઈ, કા… કા… કર્યા કરે, ને આમ—તેમ ઊડ્યા કરે. બા, એ કા… કા... કા… કેમ કરે? એ મા… મા… કે મામા એવું ન બોલે ?... ના ભાઈ, એને તારી જેમ કાકા બહુ વ્હાલા છે. એટલે તો એ કા… કા… કરે. બા, કાકા ક્યાં ગયા ?....

તારા માટે મમ-મમ લેવા. ચાલ… કાકા ગવડાવે છે ને એ ગીત ગવડાવું.....

કાળા-કાળા કાગડાભાઈ,

મોટા તાણે રાગડા ભાઈ !

કા... કા... કા… કા… ગાવાનું

સાથે બેસીને ખાવાનું.

આ કાગડાભાઈ પાછા એકલા ન ખાય. કંઈક ખાવાનું મળે ને તો… સહુને બોલાવે, કા... કા... કા... કરી મૂકે. પછી બધા ભેગા થાય, અને ખાય. આપણે બધાં સાથે જમવા બેસીએ ને એમ જ… કેવી મજા પડે નહીં ?

બહુ મજા પડે છે હોં બા… ને… હું બધાંના આસન પાથરી દઉં છું ને ?

હા... હા... વળી રોજ...રોજ આસન પાથરવાનું કામ તો તારું જ. તને એ કામ સરસ આવડે છે ને એટલે! પાછું ગાય—કૂતરાને રોટલી નાખવાનું કામ પણ તારું... તું સરસ કામ કરે છે હોં.

શિવ ખુશ થઈ ગયો. ‘બા… બા…… શાક લાવવાનું કામ દાદાનું ને ?…

હા બેટા, દાદાનું કામ શાક લાવવાનું. તો સમારવાનું કામ મારું. રસોઈનું કામ મમ્મીનું. ને કમાવાનું કામ પપ્પાનું, ને કાકાનું… વળી… બધાંને સાથે જોઈ આશીર્વાદ આપવાનું કામ દાદાનું ને મારું.

બા… બા… આપણે બધાં જમી રહીએ ને પછી ઊડી આવવાનું કામ બધા કાગડાઓનું... બરાબરને !

હા… હા… તું તો બહુ સમજું છે. ચાલ, ગીત સંભળાવને પેલું.…

આવો કાગડાભાઈ કા... કા… કા...

દાણા વીણીને ખા... ખા... ખા...

કા... કા... કા... ગાજે,

સાથે બેસી ખાજે.

શેર કરો: