૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

ચાંદામામાનો એકડો  

Chandamamano ekdo

ચાંદામામાનો એકડો   

મમ્મી, મમ્મી ચાંદો દે,

નહીંતર જા હું માંદો લે...

કહેતો પૂજન પડી રહ્યો. ‘બેટા, પૂજન, ઊભો થા. ચાલ તને લેશન કરાવું. લેશન તો કરવું પડે હોં…’ મમ્મી પૂજનને સમજાવી રહી. વધારે નહીં ખાલી એકથી દસ. બીજું કંઈ નહીં, ક, ખ, ગ, આજે નહીં બસ. પણ… પૂજન એટલે પૂજન. ભારે હઠીલો. ચાંદો લાવી દે…ચાંદો લાવી દે.

પૂજનના પપ્પા તો નોકરીએ જાય. રાત્રે આવે ત્યારે પૂજન સૂઈ ગયો હોય. એની મમ્મી થાકે, ને પૂજન તો બસ ચાંદો લાવ…ચાંદો લાવ. હવે મમ્મી ચાંદો ક્યાંથી લાવે ?

એક દિવસ પૂજનની મમ્મીએ યુક્તિ કરી. પાણી ભરેલી મોટી થાળી ચોકમાં મૂકી. પાણી હાલતું બંધ થયું એટલે બૂમ પાડી. ‘દોડ, દોડ પૂજન, જો……જજો….તારા ચાંદામામા આવી પહોંચ્યા થાળીમાં. તું જો તો ખરો, એ સાંભળી પૂજન તો દોડતો દોડતો આવી ગયો.’

‘હેં મમ્મી, ચાંદામામા થાળીમાં ?’

'હા…હા… તું જો... કેવા હસે છે નહીં?' કહેતો પૂજન ગાંડોઘેલોથઈ ગયો. ખુશ થતો એ મમ્મીને પૂછવા લાગ્યો.

'એ મમ્મી, ચાંદામામા સાથે વાત કરાય ?'

'હા, કેમ નહીં ?'

ને મમ્મી ત્યાંથી ખસી ગઈ. એ થાંભલા પાછળ છૂપાઈ ને જોઈ રહી. વળી પૂજનની વાતો સાંભળવા આતુર બની. ત્યાં તો પૂજન બોલ્યો, 'ચાંદામામા, ઓ...ચાંદામામા, મારી મમ્મી છે ને એ મને પેન પકડાવે છે, પછી સલેટમાં પહેલો ચાંદો ચીતરાવે છે. પાછી મને કહે છે કે, તારા ચાંદામામા ઘરડા થયા છે, એટલે તારે ટેકા માટે એમને લાકડી આપવાની ને સાચું કહું ચાંદામામા, તમને લાકડી આપી એટલે મમ્મી ખુશ ખુશ થઈ ગઈ. ને તાળી પાડતાં બોલી ઉઠી કે મારા પૂજનને એકડો આવડી ગયો..

હૈં ચાંદામામા, તમે ઘરડા થયા છો ? લ્યો… તમને લાકડી આપું ? કહેતો નાદાન પૂજને નાનકડી લાકડી થાળીમાં નાખી. એટલે ચાંદામામા વિખરાઈ ગયા. વળી પૂજન મુંઝાયો કે ચાંદામામા ક્યાં જતા રહ્યા ? એ થોડીવાર એમજ બેસી રહ્યો. એટલામાં તો થાળીમાં આવી ચાંદામામા બોલ્યા, ‘જો...જો...પૂજન, હું તો આ રહ્યો.’

ને ડોલતા ડોલતા ચાંદામામા મલકી રહ્યા.

'બેટા, પૂજન, એક વાત કહું, હું ઘરડો છું ને એટલે એકડો શીખતાં બધાં બાળકો મને ટેકા માટે લાકડી આપે છે. પણ… એકલા મને જ નહીં તારા દાદા, નાના ને તારા ફળિયાના, ગામનાં બધાં દાદા-દાદીની તું લાકડી થઈશ ને!’

'હા...હા...ચાંદામામા, મને તો દાદા-દાદી બહુ ગમે.'

બસ, હવે મારી ચિંતા ટળી ગઈ. તું તારા ભાઈબંધોને પણ આ વાત કહેજે હોં. વળી, તારી ચાંદનીમામી પણ કે'તી'તી કે..પૂજન… તો બહુ ડાહ્યો છે. બધા દાદા-દાદીની ટેકાની લાકડી છે બોલ… આજે તારી સાથે વાત કરવાનો મને મોકો મળી ગયો…’

'ચાંદામામા, હું તમારી વાત બધાંને કહીશ ને દાદા-દાદીની લાકડી થઈશ.'

'હા...હા... બેટા, ભણજે ગણજે ને ઘરડાંની સેવા કરજે.' કહી ચાંદામામા ચાલ્યા ગયા.

મમ્મી, મમ્મી, ચાલ એકડો લખવો છે…ને થાળીમાં પડેલી નાની લાકડી કાઢતાં મમ્મી ગીત ગણગણવા લાગી….

આંગળી ચીંધી ખસી ગયા,

આંગળી ચીંધી ખસી ગયા,

જો……ચાંદામામા હસી રહ્યા.

અને ગીત સાંભળી પૂજન ખુશ ખુશ થઈ ગયો.

શેર કરો: