૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

ચકો ખીચડી ના બનાવે?

Chako khichadi na banave?

ચકો ખીચડી ના બનાવે?

દાદા… દાદા... ચકીએ બનાવી ખીચડી… તો ચકો ખીચડી ના બનાવે ?

બનાવે ને !

તો… તો… ચકો કેમ ખીચડી નથી બનાવતો? એને નથી આવડતી ?

નાના ૐકારની વાત સાચી હતી. દાદા વિચારવા લાગ્યા. ચકી લાવે ચોખો, ને ચકો લાવે દાળ મમ્મી અને પપ્પા બંને નોકરી કરવા જાય. આખો દિવસ નોકરી કરી બંને થાકે. તોય મમ્મી આવીને રસોઈ કરે, ને પપ્પા ટીવી જોવા બેસે… ૐકારનો પ્રશ્ન સાવ સાચો હતો. પણ… નાના બાળકને કેમ સમજાવવું? કેવી રીતે કહેવું… દાદા એનો જવાબ શોધી રહ્યા.

સાંજ પડી, ૐકારની મમ્મી અને પપ્પા આવી ગયા. દાદાએ ૐકારની મમ્મીને કહ્યું, ‘છાયા, તું… ટીવી જો… નિરાંતે બેસ.' 'ના… પપ્પાજી, હું ટીવી જોવા બેસું તો રસોઈ કોણ બનાવશે?…' 'અરે! તું બેસ તો ખરી’...

છાયા હાશ કરીને બેઠી. ત્યાં તો દાદા બોલ્યા, ‘જનાર્દન, ઊભો થા... અહીં આવ તો રસોડામાં....’

મમ્મીના ખોળામાં ૐકાર બેઠો હતો. બંને ટીવી જોતાં હતાં. દાદાએ ધીમે રહી બધી વાત કહી. જો… જનાર્દન, ૐકાર કેવા પ્રશ્નો કરે છે તે… જનાર્દન તો સાંભળી રહ્યો… શું કહેવું તે સમજાયું નહીં. પછી દાદા બોલ્યા, 'ચાલ, હું શીખવું છું. આજે ખીચડી તું બનાવ હોં ને...’

ક્યાંયથી પણ... 'આજે ખીચડી તું બનાવ હોં ને’… એ વાક્ય ૐકારના કાને પડયું. એ દોડતો-દોડતો રસોડામાં આવ્યો… અને બોલ્યો, ‘હેં… પપ્પા, સાચે જ.. આજે તમે ખીચડી બનાવવાના છો ?…'

‘હા, બેટા, તેં દાદાને પૂછ્યું હતું ને કે… ચકી જ ખીચડી બનાવે… તો ચકો કેમ ના બનાવે ?.. હવે હું પણ રસોઈ બનાવીશ… તું પણ શીખજે હોં.'

શેર કરો: