'ચકી-ચકી ચોટી લે....
નાની નહીં તો મોટી લે…’
મમ્મી એ ગીત ગા……લાલુ મમ્મીને, બાને આ લીટીઓ વારંવાર ગવરાવે. ને પછી….લલ્લુની વાત કે…લાલુની વાત કહે એવું કહેતો બાની પાસે બેસી જાય. ને બા વાત માંડે.
એક હતો લાલુ. બહુ ડાહ્યલો હોં, તારા જેવોજ. રોજ સવારે વહેલો ઊઠે. નાહીધોઈ ભગવાનને પગે લાગે. સાથે સાથે બા-દાદાને પણ.
‘પણ…બા…પેલું ચકી-ચકી એવું તો ગા.’
'હા ભાઈ હા લે..’
ચકી ચકી ચોટી લે.
નાની નહીં તો મોટી લે…
આ સાંભળી લાલુ તાળી પાડે. પછી બા વાત આગળ વધારે. લાલુ તો દૂધ પીવે ને સવારે નાસ્તો પણ કરે. વળી સવારે ઉગતા સૂરજ સાથે વાતો કરે. ફૂલો સાથે દોસ્તી કરે પંખીઓને પ્રેમ કરે રાતે ચાંદામામા સાથે અલકમલકની વાતો કરે, ને પેલા ટમટમતા તારલીયાઓ તો બધા એના ભાઈબંધ.
‘હૈં બા, એ લાલુ ને તો કેટલા બધા ભાઈબંધ ! વળી પાછુ વચ્ચે યાદ આવી જાય અને બોલી ઊઠે, પણ…બા…ચકી ચકી ચોટી લે….એ તો વચમાં રહી જ ગયું. ને બા પણ પાછી જૂની ટેપ ચાલુ કરે.
ચકી-ચકી ચોટી લે...
નાની નહીં તો મોટી લે…
આવો ડાહ્યો ડમરો નાનકડો લાલુ બપોરે જમીને ઊંઘી ગયો. લાલુના ઘરમાં એક ચકલી માળો બાંધે. એટલે ઘાસ ને નાના નાના તણખલા લઈ બારી બારણામાંથી આવજા ને ઉડાઉડ કર્યા કરે. એટલે એની ચાંચમાંથી ઘાસનું તણખલું પડ્યું ને પડ્યું એવું લાલુની ચોટી ઉપર.
‘પણ……બા, તું ફરી પાછું ચકી ચકી…ચોટી લે…ગા.’ ને બા એ એ બે કડી ગાઈ વાત આગળ વધારી. પેલી ચકલી તો ઉડીને આવી ઊંઘતા લાલુ પાસે. હળવે હળવે કૂદતી આવી ઓશીકા પાસે. પછી આમ તેમ નજર કરી બેસી ગઈ લાલુની ચોટી ઉપર. ચોટી ઉપર પડેલું તણખલું જ્યાં ઉપાડ્યું ત્યાં તો… ‘એ…ય… મમ્મી… એ… બા…’કહેતાં લાલુએ પાડી ચીસ. ને ચકલીને ચડી રીસ. એ તો ડરી ગઈ ચીસ સાંભળીને તેની ચાંચમાંથી તણખલું પડી ગયું ને એ ઉડી ગઈ. ‘પણ... બા, લાલુ કેમ જાગી ગયો ?'
દીકરા, એ તણખલાની સાથે સાથે લાલુના માથાના બે ત્રણ વાળ ખેંચાયા. એ તો એની દાદીમાએ જોયું ને એની સાથે લાલુને ખોળામાં બેસાડી દીધો. ‘જો જો… પેલી ચકલી… કેવી ચીં-ચીં કરતી ઊડે છે, જો..…
'બા, પણ…પેલી ચકી—ચકી…ચોટી લે… વાળી ચકી છે !’
‘હા... એ...જ’
‘તો એનું ગીત ગા.’
ને ડરી ગયેલી ચકલી અને ડરી ગયેલા લાલુ ને હસાવતાં બાએ પોતાનો ચોટલો ચકલી સામે ધર્યો અને બોલ્યાં,
ચકી-ચકી ચોટી લે,
નાની નહીં તો મોટી લે…
આ વાત સાંભળતો લાલુ હ્ હુ હ્ હૂ કરતો હસી પડ્યો ને ખૂણામાં બેઠેલી ચકલી પણ ચીં.ચીં… કરતી મલકી ઊઠી.



