૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

ભાણાના લગનમાં

Bhanana laganma

ભાણાના લગનમાં

માંજરીમાસી મિયાઉં.. મિયાઉં કરતાં જતાં હતાં. સરસ મજાની સાડી ને કપાળમાં ચાંદલો. પગમાં ઝાંઝર ને માથે ગજરો. જે સામે મળે એને કહે, 'લગનમાં જાઉં છું.'

ચકલી બોલી, 'માંજરીમાસી, હું પૂછી શકું કે કોનાં લગન છે ?'

હરખ કરતાં માંજરીમાસી કહે, 'મારા ભાણિયાનાં લગન છે.’

હરખ બતાવતાં ચકલી બોલી, 'હું આવું તમારી સાથે લગનમાં ?'

'હત્ ગાંડી... તું તો છે સાવ નાનકડી. તને શું ખબર પડે લગનની ?'

'એટલે જ કહું છું માંજરીમાસી. મેં જોયું જ નથી લગન તો. મને એવું બધું જોવાનું ગમે છે. મને લઈ જાવને લગનમાં' ચકલીએ તો પોતાની વાત પકડી રાખી. માંજરીમાસી ગણકારવું મૂકી ચાલતાં હતાં.

ચકલી તો નાનકડી, કોઈ વાતે સમજે ના. બસ, 'હું આવું છું, હું આવું છું... મને લઈ જાવ, મને લઈ જાવ...' માંજરીમાસી ચાલે એ મારગડે આવી ઊભી રહે આગળ. નાના બાળક પેઠે કરે જીદ. અરે ! એટલું જ નહીં, નાહી-ધોઈને તૈયાર થઈ હોય તો પણ આળોટે ધૂળમાં. કોઈ જોશે તો શું વિચારશે? કેવું-કેવું ધારશે, એવી કશી જ પરવા નહીં.

ઘમ... ઘમ... ઘમ... ઘૂઘંરીઓ રણકે, ને માંજરીમાસી હરખે. આગળ આવીને ચકલી ઝાડની ડાળે બેસે. ન ગમતી વાત માંજરીમાસીને વારંવાર પૂછે, 'હું આવું તમારી સાથે લગનમાં ?'

મંજરીમાસી અકળાયો. ચીં...ચીં..ચીં... સાંભળી કંટાળી ગયેલાં એક તરાપ મારી ચકલીને મસળી નાખવા આતુર થયા, પણ ચકલી તો ફર૨૨...

માંજરીમાસીએ હવે ચકલી ઉપરથી નજર હટાવી લીધી. ગમે તેટલું બોલે, ચકલી ગમે તે કહે, પણ સામું જોવાનું જ નહીં ને ! છે જાત સાવ નાનકડી, પણ ભારે ચગી ગઈ છે હો. સમસમી ગયેલાં માંજરીમાસી જાણે સાવ બહેરાં બની ગયાં હોય એમ ચાલતાં હતાં, ને ગાતાં હતાં...

મિયાઉં... મિયાઉં હું માંજરીમાસી,

ભાણાનાં લગનમાં ચાલી.

આમ, જુઓ મારા હરખને,

મુખડે ચમકે છે લાલી.

'ઓ..હો..હો..હો.. એમ વાત છે, તમે તમારા ભાણિયાનાં લગનમાં જાવ છો એમ ને ?' સામે મળેલા મોરે હરખ બતાવતાં કહી દીધું.

'હા...હા... ભાણિયાનું લગન હોય ને હું ના જાઉં, એવું કદી બને ?'

‘ના બને. માંજરીમાસી... કદી ન બને એવું હો.' કહેતો મોર નીકળી ગયો આગળ. માંજરીમાસી વિચારવા લાગી, 'ખરો છે આ પણ... થડીક ઊભો રહે તો વાત કરું. ભાણાનાં લગનમાં શોભે એવો છે. વળી, મોર આવે તો નાચવાવાળા-ગાવાવાળાઓનો ખરચ બચી જાય. આ તો એક કાંકરે બે કામ થાય. માંજરીમાસી દોડતાં હતાં મોરની પાછળ-પાછળ.

નાનકડી ચકલી આ બધું જોતી હતી. એનું તો હજુ એ જ રટણ ચાલુ હતું... 'હું આવું તમારી સાથે લગનમાં? મારે જવું છે ને માંજરીમાસી લઈ જતી નથી, ને પેલા મોરની પાછળ દોડે છે... આવું હોતું હશે?'

માંજરીમાસી દોડી, એ જોઈ મોર ગભરાયો. શરીર ભારે એટલે ઝાઝું ઉડાય નહીં, વળી

પીંછાં પણ લાંબા-લાંબા. પોતાનો જીવ સાચવતો એ બેઠો આંબા ડાળે. માંજરીમાસી તો આવી ગઈ આંબાની નીચે, પછી ગાવા લાગી.

મિયાઉં... મિયાઉં હું માંજરીમાસી,

ભાણાનાં લગનમાં ચાલી.

મોર રૂપાળા દઉં આમંત્રણ,

દે મને તાલી... તાલી.

'મારે તો આવવું જ નથી, તમે મહાલજો માંજરીમાસી' કહેતો આંબાનાં ઝાડ ઉપર જ બેઠો.

માંજરીમાસી હવે કોઈને પૂછવા કે કહેવા ઊભી ન રહી. ચાલી નીકળી એ પણ સડસડાટ.

પેલી ચકલી ઊડતી-ઊડતી આવતી હતી, એટલું જ નહીં, સાથે-સાથે પેલા મોરને પણ લઈ આવી હતી.

ખન-ખન ને છમ-છમ કરતાં માંજરીમાસી ગુફા આગળ આવી ગાવા લાગ્યાં,

ગુલાબવાળી ચૌટા વચ્ચે રોપી રેં...

એવી એવી જુગતીમાં ભાણાભાઈ પરણાવોને.

આટલું સાંભળતાં જ ગુફામાંથી ગર્જના સંભળાણી. 'શું કામ માથું પકવે છે ? ફૂટ્ જા અહીંથી ભાગી જા.'

'એ તો હું ભાણાભાઈ, તમારી માસી. તમારાં લગનમાં આવી છું.'

‘શાનું લગન ને શાની વાત ? પેટ ભરેલું છે નહીંતર લગાવી દેત લાત. ભાગ અહીંથી સાવ કમજાત. આવી મોટી ભાણા ભાણા કરતી.’

આવું સાંભળીને પછી માંજરીમાસી ભલાં ઊભાં રહે ખરાં ? નાઠાં એક છલાંગે. વાત સાંભળી ગઈ પેલી ચકલી ને મોર. જાણ થઈ ગઈ ભાઈ ચારેકોર. માંજરીમાસી કેમ લુપાતાં-છુપાતાં આવે છે ને જાય છે, સમજાઈ ગઈને સઘળી વાત! ભાણાનું ખાલી નામ, પણ... ઉંદર પડકવાનું કામ...

શેર કરો: