બધી બકરીઓને ભણવાનું મન થયું, પણ એમને ભણાવે કોણ? આ સવાલ સહુને નડતો હતો. એક દિવસ અડધી રાતે વાડામાં ખળભળાટ થયો. 'કંઈક સળવાટ થાય છે હો.'
'મને પણ એવું લાગે છે...'
'તને સંભળાયું ? અડધી રાતે આવે કોણ?'
'સિંહ હશે તો? બાપ રે શું થશે?' કહેતી એક બકરી રડી પડી.
'અલી... રડ નહીં. મોત આવે એ પહેલાં મરી જવાનું? પાંદડું હાલે તો પણ ડરી જવાનું? આમ, ડરતાં-ડરતાં શું જીવવાનું ?'
'રહેવા દે મોટી ડહાપણની હાંકે છે તે...'
આમ બધીય બકરીઓ ફફડતી-ફફડતી એક-બીજાના કાનમાં કહી રહી હતી. અવાજ હવે વધતો હતો. બધી બકરીઓ કાન સરવા કરી ઊભી રહી.
'અલી... જો તો ખરી. આપણે તો ડરી ગયાં, પણ આ તો છે સસલાભાઈ. એય આપણા જેવા જ.' આગેવાન બકરી બોલી ઊઠી.
'હા... હા... તમારા જેવો જ. તમારામાંનો જ ગણોને.' સસલાભાઈ એમના કાન હલાવતા હતા તો... ડોળા કાઢી બકરીઓ સામે જોતા હતા. અંધારું હતું ચારેકોર. બધાંયની આંખો ચમકતી હતી. સસલાભાઈને કૂદવાનું મન થયું. સસલાભાઈને ગાજર ખાવાનું મન થયું, પરંતુ અહીં તો ગાજર મળે જ કેવી રીતે?
બધી બકરીઓ સસલાભાઈને ઘેરીને ઊભી રહી ગઈ.
'બોલો... બોલો... સસલાભાઈ, તમને શું ખાવાને દઈએ?' એક આગેવાન બકરી બોલી ઊઠી. ‘રાત પડી ગઈ છે. લીલું ઘાસ તો છે જ નહીં. સૂકું ઘાસ ગમે તો ખાવ, પણ અમને એ જણાવો કે આમ અડધી રાતે તમે આ તરફ?'
'હા... ખાસ કામે' એટલું બોલી સસલો અટકી ગયો.
'અમને જણાવશો એ ખાસ કામ.'
'અરે ! હું ફરવા જતો હતો. મને, આમ આંટા મારતાં જોઈ ગયો સિહં. જંગલના રાજાએ મને જોઈને પાડી બૂમ. 'સસલા, અહીં આવ. શું કરે છે?'
'કંઈ નહીં મહારાજ, ખાલી આંટા મારું છું.' મારી વાત પૂરી સાંભળી પણ નહીં, ને સિંહે આપી સૂચના...
તું બકરીઓના વાડામાં જા, બકરીઓને ભણાવ, એમને ભણવું છે, ગણવું છે. આગળ આવવાનું કોને ન ગમે?'
બસ, રાજા સિંહની વાત સાંભળી અહીં આવી ઊભો. તમે બધીય તો ઊંઘતી હતી ઘસઘસાટ. છતાં મેં કરી હિંમત, વાડામાં છીંડું કરી આવી ઊભો. બોલો તમારે મારી પાસે ભણવું છે?' સસલાની વાત સાંભળી બધી રાજીની રેડ બની બેઠી.
‘હા... હા... મારે ભણવું છે.’
'મારે પણ ભણવું છે.'
'અમારે પણ ભણવું છે.'
બધીય બકરીઓની એક જ વાત હતી. સસલાભાઈ બની બેઠા સાહેબ, એક થડ ઉપર ચડી ગયા. હાથમાં એક નાનકડી સોટી ઝાલી ઊભા. 'બોલો બકરીઓ એક.'
બધીય સાથે બોલી ઊઠી, 'એક.”
અમને એક તો આવડે છે. આગળનું શીખવાડોને ‘કેટલીક બકરીઓ એક સાથે ભોલી
‘હા... હા... ચાલે આગળ ભણીએ.’
'હવે બોલજો હોં મારી સાથે... બે.
બપી બકરીઓ બે... બે... બેં... કરવા લાગી.
વાત હજુ આગળ વધી જ નહોતી. અવાજ ભણી સહુના ગયા કાન, દૂર-દૂરથી સિંહની ગર્જના સંભળાણી. સસલાભાઈના હાથમાંથી સોટી પડી ગઈ, ને ભાગી ગયા દૂર-દૂર. પાછું વળીને જોવું જ નહીં.
બેં...બેં... બેં કરતી બકરીઓ અડધી રાત સુધી જાગતી રહી. સસલાભાઈને બોલાવતી રહી, પરંતુ સસલાભાઈ હોય તો સાંભળેને વાત! નાઠા એ તો ઊભી પૂંછડીયે. વળી, વાડો હતો મજબૂત. બકરીઓનો બેં બેં બેં અવાજ તો આવતો હતો, પણ સિંહને જવું કેવી રીતે?
તે દિવસથી વાડામાં ન ગયો સસલો કે ન ગયો સિંહ, બિચારી બકરીઓનું ભણવાનું અટકી ગયું. ભણવાના અભરખાને યાદ કરતાં હાલતાં ને ચાલતાં, જતાં ને આવતાં મલકી ઊઠે. બીજા આગળ પોતાની હોશિયારી બતાવતાં બોલી ઊઠે. બેં...બેં...બેં.
બોલો... આવું કોઈને આવડે કે ?



