૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

બહાદુર બંકા થઈએ

Bahadur banka thaie

બહાદુર બંકા થઈએ

સૂપડા જેવા કાન હલાવતા, હાથીદાદા આવે છે.

લાંબી-મોટી સૂંઢ હલાવતા, હાથી દાદા આવે છે.

પંખીઓ આમ ગીત ગાય. આખું જંગલ ખૂબ હરખાય. દાદાને આપે માન ને પાન. કાગડાભાઈ કા…કા… કરતાં બોલી ઊઠે,

હાથીદાદા અહીં આવો,

વ્હાલ તમે વરસાવો.

હાથીદાદા આવે ને મીઠી-મીઠી વાતો કરે. સહુની ઉપર વ્હાલ વરસાવે. પછી ચાલ્યા જાય પોતાના ઘરે. આજે તો હાથીદાદા આવ્યા પણ એમને થઈ હતી શરદી. તેમને જોઈ બધાં પશુ—પંખી ભેગાં થયાં. ત્યાં હાથીદાદાને આવી છીંક. એ… હાક છી. ભારે શરીર ને ભારેખમ છીંક. ને ચારેકોર પડઘા પડ્યા, હાક છી…

છીંકથી ડરીને નાઠું સસલું. ‘એ ડુંગર ફૂટ્યો… હાક છી.’ એ જોઈને, સાંભળીને હાથીદાદા ખડખડાટ હસ્યા.

‘ઊભા રહો સસલાભાઈ, ડુંગર ફૂટે નહીં.’ મોર બોલ્યો.

‘ભાગો નહીં સસ્સારાણા, ડુંગર ફાટે નહીં.’ ખિસકોલીએ કહ્યું.

પણ બીકણ સસલાભાઈ તો ડરી ગયા. દડબડ દોડી બખોલમાં ભરાઈ ગયા. એ જોતાં ખિસકોલી હસી કીલ—કીલ ને ખીલ—ખીલ. તીણા આવજે એ ગાવા લાગી,

ડરીને નવ રહીએ,

બહાદુર બંકા થઈએ.

ખિસકોલીનું ગીત સાંભળીને વનદેવી થયાં રાજી-રાજી. એમણે ખુશ થઈને ખિસકોલીને આપી પૂંછડી… મજાની જાડીભમ ને ભરાવદાર પૂંછડી.

ખિસકોલી તો મજાની પૂંછડી પટપટ કરતી જાય. દોડા-દોડ કરતી એ ગીત ગાય,

વનદેવીની વાત કહું છું,

ડરીએ તો ડરાવે સહુ.

બહાદુર બંકા જો થાશો તો,

સૂરજ-ચાંદને ગમશે બહુ.

શેર કરો: