૭ દિવસ મફત પ્રીમિયમ — ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રવેશો

આપણે બદલીએ, આપણાં કામ

Aapne badalie, aapna kaam

આપણે બદલીએ, આપણાં કામ

અમેરિકા છોડી અનંતકુમાર આવી ગયા હતા પોતાના ગામડે રહેવા. એમને ગામડાં બહુ પછાત લાગતાં. એ રોજ સાંજે આંટો મારવા જાય. બધું જોતાં-જોતાં ચાલે. અહીં મજાની હવા છે, પાણી છે, લીલાં ખેતરો લહેરાય છે, છતાં માણસોનાં કપડાંમાં કોઈ બદલાવ નથી. અરે ! રહેણી-કરણીમાં પણ કોઈ બદલાવ નથી. આ લોકોને આવું ગમે છે જ કેવી રીતે?

ગામમાં કોઈ સુધરે એવું એમને લાગતું ન હતું. વળી, બધાં એમની વાતો સાંભળતાં ખરાં, પરંતુ પાછળથી હસતાં હતાં. અનંતકુમારના કાને પણ આવી પહોંચી આ વાત. એમણે બધા સુધારા મૂકી દીધા અભરાઈ ઉપર. હવે મારે ખાલી ખેતરના ચાડિયા જ સુધારવા છે. ના કોઈ ટીકા કે ના કોઈ નિંદા. ના કોઈ મારી-તારી કે ના કોઈ મગજમારી.

સાંજના સમયે એક ખેતરના ચાડિયા પાસે અનંતકુમાર ઊભા. 'ભાઈ ચાડિયા, તું આમ જૂનાં-પુરાણાં કપડાં પહેરીને ઊભો રહે છે. તને આવાં કપડાં ગમે છે જ કેમનાં ? કામ કરે છે ચોકીનું, તો... માગ કપડાં નવાં-નવાં.'

'ના રે ના ! અમારે વળી ધૂળમાં રહેવાનું, ને ધૂપેલના સવાદ ! અમે તો જે છીએ તે જ બરાબર. બની-ઠનીને ફરવાનું અમને ના પાલવે.' ચાડિયાએ પોતાની વાત સરસ રીતે કહી સંભળાવી. પરંતુ અનંતકુમારને ચેન પડતું ન હતું.

ચાડિયાઓની નામરજી છતાં લઈ આવી ગયા નવાં-નવાં કપડાં. ચાડિયાનાં જૂનાં, ફાટેલાં ધોતિયાં ને ખમીશ ઉતારી દીધાં. નવાં-નવાં કપડાઓમાં ચાડિયાઓ ખરેખર ચાડિયા જેવા જ લાગતા હતા.

પંખીઓ પણ ડોળા ફાડી-ફાડીને જોતાં હતાં. ‘છે તો ચાડિયા ભાઈ જ. પણ... આવાં કપડાં શોભતાં નથી. અમારી આંખો આવાં કપડાંમાં ચાડિયા જોવા ટેવાયેલી નથી. કરવું શું? એ તો ઊડતાં-ઊડતાં આવીને ખેતરમાં પેઠાં. લપાતાં-છુપાતાં ચાડિયા પાસે આવી ગયાં. પછી લહેકા સાથે ગાય ગીત...

કહો રે ચાડિયા ભાઈ,

નવલી નવાઈ.

કાઢી નાખો કપડાં આ,

કહું ગાઈ-ગાઈ.

કહો રે ચાડિયા ભાઈ,

નવલી નવાઈ.

જૂનાં તે કપડાં ફાટેલ-તૂટેલ,

છતાં અમે જાતાં હરખાઈ.

ખેતરમાં શોભે ના શહેરી મલાઈ,

આ તો લાગે છે નકરી ભવાઈ.

કહો રે ચાડિયા ભાઈ કેવી લાગી,

તમારી આ નવલી નવાઈ!

ચાડિયા ચેતી ગયા. પંખીડાંઓની વાત સાવ સાચી છે. મારે તો પંખી સાથે નાતો ને પવન સાથે પણ મારે તો વાતો કરવાની. ધગધગતા સૂરજ સાથે ને ગરમીનો મારે નાતો. રાત-દિવસ જાગવાનું ને સાથીદારોને કહેવાનું. ધૂળ ને ઢેફાંમાં રહેવું ને ધૂપેલ સાથે નાતો... આ તે કેવી વાતો ?

અનંતકુમાર તો ઠેર-ઠેર ઊભા રહેલા ચાડિયાઓને વાઘા પહેરાવીને ઘેર ગયા. ખેતરોના માલિકોએ ખેતરોમાં આવીને જોયું... 'અરે ચાડિયાભાઈ! લાગો છો તો રૂડા-રૂપાળા, પણ લાગે છે કે તમે કામ નહીં કરો હવે.'

'હા... વાત તો એવી જ છે. નવાં કપડાં બગડી જાય. નવાં કપડાં માટીવાળાં, પાણીવાળાં થાય એ ન ગમે.. પણ કરવું શું?'

ખેતરના માલિક શું કહે... 'તને મરજી પડે એ કર. હું શું જાણું?'

ચાડિયા સમજી ગયા. મારી સાથે સારી રીતે ન બોલે માલિક કે ના બોલે પંખીઓ. સારી રીતે વાતચીત ન કરે, ધૂળનાં ઠેકાં પણ. આવું તે શું જીવવાનું? કપડાં જૂનાં ચાલે, પણ મિત્રો સાથે મજાક કરવાની વાતચીત કર્યા વિના કાંઈ ચાલે ? ચાડિયાભાઈએ નવા વાઘા ઉતારી દીધાં, ને જૂનાં વાઘા પહેરી લીધાં. એ જોઈને પંખીઓ આવી ગયાં. દૂર ઊભાં રહીને વાતો કરે. ચક-ચક, ચક-ચક ગાય ને ફફડાવે પાંખો. રાજી થતાં-થતાં ચાડિયાભાઈ કહે,

હવે કહોને કેવો લાગું,

હું ખેતરનો રખેવાળ.

જૂનાં કપડાંમાં જ ગળે છે,

ભાઈ મારી તો દાળ.

સાંભળીને ખેડૂતો મલકાયા. પંખીઓ કલરવનાં ગીતો ગાતાં-ગાતાં આઘાં-પાછાં થઈ ગયાં. અનંતકુમાર કરે શું ને કહે પણ શું? બદલાવ લાવવાનાં કામમાં કશું કરી શકે એમ જ ન હતા. એક ગામડા—ગામના ખેડૂતે પોતાની વાત રજૂ કરી, 'તમે પરદેશી ના જાણો અમારી રીતો દેશી. જો તમારે કરવું જ હોય ને તો... અમારાં છોકરાંઓ સાટું ભણે એવી શાળા બાંધો. શાળાના સાહેબો ઉપર નજર રાખો. છોકરાંઓને રમત-ગમતમાં રસ લેતા કરો. અખાડાઓ ઊભા કરો. અમે બધાય તમારી સાથે જોડાઈશું. ગામમાં ભણેલા-ગણેલા આગેવાનની ખોટ છે. શું તમે આવું કામ અમારા માટે કરી શકશો?'

ગામડા-ગામના એક અભણ ખેડૂતની વાત સાંભળી અનંતકુમાર હરખથી કહે, 'અભણ હું છું, તમે નથી. હવેથી તમારી આગેવાની હેઠળ કામ ઉપાડું માથે. હું મારી રીતે બદલવા ગયો દુનિયા, પરંતુ મારી હોશિયારી કંઈ બધે કામ લાગે? તમારી હોશિયારી, તમારી આવડત, તમારી જરૂરિયાતોને પહોંચી વળવા માટે તમે કહેશો તેમ કરવા હું રાજી છું... આવો આપણે બદલીએ આપણાં કામ.

શેર કરો: