બિલ્લીમાસી છમ… છમ…

‘બા, બા…… આ બિલ્લીમાસી ઉપરથી પડી, એને વાગ્યું હશે ?…’

‘ના બેટા, એને ન વાગે હોં…’ એમ કહેતાં બબલીની બા કામે વળગ્યાં. લપાતી—છુપાતી બિલ્લીમાસી બબલીની પાસે આવી. પછી આંખો પટપટાવતી બોલી:

બબલીના પગે છમછમ,

મારા પગ તો ખાલીખમ.’

‘બિલ્લીમાસી, હું તને છમછમ આપીશ હોં.’

‘હા, મને છમછમ બહુ ગમે… તારી બાને કે’ને કે… મને પણ છમછમ પહેરાવે.’

મારી બાને કહીશ,

તને છમછમ દઈશ.’

આ સાંભળી બિલ્લીમાસી ખુશ-ખુશ થઈ ગઈ. એ તો નાચતી જાય, કૂદતી જાય ને મ્યાઉં… મ્યાઉં… મ્યાઉં… કરતી જાય. બબલીને એના ખેલ જોવાની મજા પડી ગઈ. થોડી વારમાં જ બંને સાહેલીઓ બની ગઈ. પાક્કી સખીઓ, એક-બીજા વિના ન ગમે એવી. વાત-વાતમાં બબલી બોલી: ‘બિલ્લીમાસી, એક વાત પૂછું?’

‘હા..હા… પૂછને…, એક શું અગિયાર પૂછને.’

‘તું આમ ઓટલા ઉપરથી કૂદે ને પાળી પરથી કૂદે, બારીમાંથી કૂદે ને દરવાજેથી… તારા પગ પછડાય તો તને વાગતું નથી? મને તો વાગે છે હોં…’

‘ના બબલી ના, મને તો નથી વાગતું. તું જો… મારા પગના પંજામાં ગાદી છે ને એટલે… હું ઉપરથી પછડાઉં તો ય મને ના વાગે. વળી… હું તો દૂધ પીઉં, દહીં ખાઉં, ઘી ખાઉં ને દોડા-દોડ કરું.’

‘બિલ્લીમાસી, દૂધ-દહીં ને ઘી તો હું પણ ખાઉં છું. પણ… મારા પગમાં તારા પગ જેવી ગાદી નથી. એટલે તારા જેમ મારાથી ન કુદાય. તું કૂદીને બા પાસે આવ… હું દોડીને બા પાસે જાઉં છું હોં… બંને હરખથી ગાવા લાગ્યાં….

બાની પાસ જઈશું,

છમછમની વાત કહીશું….

‘હા… હા… હા… બબલી જો હું તો આવી ગઈ તારા કરતાં પહેલાં…’ બંનેની વાત સાંભળી બા ખડખડાટ હસી પડ્યાં ને બિલ્લીમાસીના પગે ઘમઘમ ઘૂઘરીઓ પહેરાવી. પછી તો..…

 

બબલી દોડી ધમધમ,

બિલ્લીના પગે છમછમ.’

લેખક:-ગિરા પિનાકીન ભટ્ટ