ઉંદરભાઈને બિલ્લીબેનનો ખૂબ પુરાનો નાતો,

બિલ્લીને જોઈ ઉંદર ઉંચો નીચો થાતો.

એક દિવસ આ ઉંદરડાને આવ્યો કઈ વિચાર,

બિલ્લી બાઈથી છુટવા ખોલ્યાં લેપટોપના દ્વાર.

આજે સઘળી મુસીબતનો લાવવો મારે હલ,

એમ કે’તાની સાથે ખોલ્યું લેપટોપમાં ‘ગુગલ’.

ગુગલ ઉપર સર્ચ કરી કંઈ દાદાની કહાની,

ઘંટ પેરાવ્યો’તો બિલ્લીને તો’ય નો‘તી એ છાની.

ગુગલ પરથી શોધી કાઢ્યા મ્યૂઝિક વાળા બૂટ,

બિલ્લી સામે ફેંક્યા, દૂર ઉભા રહીને ફૂટ.

મ્યૂઝિક વાળા બૂટ બિલ્લીએ હરખે પે’રી લીધા,

પહેરી દોડ્યા સહેલીઓને બતાડવાને સીધા.

છુપકેથી જો આવે બિલ્લી ઉંદરડાની પાસે,

મ્યૂઝિક સાંભળી ઉંદરડાઓ દરમાં કેવા નાસે.

લેખક: બકુલ પરમાર