એક નાનકડી ચકલી, નામ એનું ચીકુ.

ચીં…ચીં…ચીં…ચીં… બોલે ને કબુતર જોતાં ડોલે.

 

‘કબૂ તારું નામ’ ચીકુએ પ્રેમથી પૂછ્યું.

‘મારું નામ કોંઠુ? ગુટર ઘુ… ગુટર ઘુ… કરતાં એ બોલ્યું. તો વળી ગોળ-ગોળ ફરતાં મોટા રાગે ગાવા લાગ્યું,

 

હું કોંઠુ કરું ગુટર ઘુ…ગુટર ઘુ,

મારી પેઠે કર નહીં, ચડ-ઊતર તું.

 

‘ના… ના… કોઠું, હું કોઈના વાદ ન લઉં. હું તો મારી રીતે ચીં…ચીં…ચીં..કરું.’ ને ચકલી ગાવા લાગી,

 

મારે મીઠું મધુરું ચીં…ચીં…ચીં,

ખાવું પીવું બીજી ચિંતા શી?

 

‘અલી તું તો સાવ ગાંડી. તને રહેવાની ચિંતા નથી?’ કોંઠુ કબૂતર પૂછ્યા વિના ન રહી શક્યું.

 

“ના ના ના… મારે માટે લોકો ચકલીઘર લાવે. ઘર આંગણે એને બાંધે. એમાં હું રહું. મને જોતાં હરખે નાનાં મોટાં ને બાળકો સહુ.’ ચીકુ હસતાં-હસતાં બોલી.

 

ચીકુની વાત સાંભળી કોંઠુ કબૂ કહે, ‘ચીકુ, તને બધાં હેતથી બોલાવે, રહેવા માટે ચકલીઘર આપે. જ્યારે… મને તો બધાં આવતાં રોકે છે. કબૂતર ઝાળી બાંધી દે છે, આવું કેમ હેં?

 

ચીકુ કહે, “એ તો જાણવું પડે હોં.’

 

કોઠું કહે, ‘એ તું જાણી લાવને.”

 

ચીકુ ઊડી ફર્ ર્ ર્… થોડી વારમાં એ પાછી આવી ગઈ. ચીં.ચીં… કરતાં કહેવા લાગી, ‘તું ખોટું ન લગાડે તો લોકોની વાત કહું બકુડા.’

 

‘બોલી નાખ જે હોય તે’ મોટા ડોળા સાથે કોંઠુ બોલ્યું.

 

‘તારી વાત કરતાં લોકો કહે છે કે, આ કબૂતર તો ખાલી કહેવાનું શાંતિદૂત! બાકી ગુટર ઘુ… ગુટર ઘુ… કરી આખો દિવસ માથું પકવે છે. જ્યાં બેસે ત્યાં બહુ ગંદકી પણ કરે છે. બોલ, એવું કંઈ કરાય?’

 

ચીકુની વાત સાંભળી કબૂની આંખમાં પાણી આવી ગયું. ‘વાત તો સાવ સાચી, કોઈને ગંદું ગમે ના.’

 

‘વળી તું થોડું મીઠાબોલું થાને. મીઠાબોલા ન થવાય તો મૌન રાખતાં શીખ. એ પણ ચાલશે.’

 

કોઠું કહે, ‘તું મારો ગુરુ થાને. મીઠાબોલા તો સહુને ગમે. મારે પણ એવું શીખવું છે.’

 

શીખવું સારું સારું

ન કરવું મારુંતારું.

ચોખ્ખુંચટ રહેવાનું

ને બોલવું પ્યારું પ્યારું.