ઝરમર ઝરમર વરસાદ વરસે.

લક્ષ અને લિપિ આંગણામાં રમે.

રમતાં-રમતાં બહાર ગયાં.

પલળવાની મજા—મજા… આ જોઈને,

ચિન્કી આવે પિન્કી આવે,

ગોલુ અને ભોલું આવે.

 

પણ… અત્યારે કોઈ ન આવ્યું. મમ્મી ગઈ’તી બજાર. થોડી વારમાં આવ્યાં બિલ્લીમાસી. મિયાઉં……મિયાઉં કરતાં ગાવા લાગ્યાં ગીત,

 

આવે આવે રે વરસાદ,

ત્યારે દેડકાં આવે યાદ.

ડ્રાઉં-ડ્રાઉંનાં ટોળેટોળાં,

કૂદે બાળકો ભેળાંભેળાં.

 

‘અલી મિયાઉં, તું તો સરસ ગીત ગાય.’ લિપિ બોલી.

 

‘હા લિપિ, જો..જો..…જો…ક્યારનોય ઝરમર-ઝરમર વરસાદ વરસતો હતો. તે હવે બંધ થયો.’ કહેતાં બિલ્લીમાસી છલાંગ મારીને ભાગી.

 

લિપિ ને લક્ષ, ભીની-ભીની માટીમાં રમવા બેઠાં.

લક્ષ બોલ્યો, “લિપિ, અહીં મોટો ખાડો કરીએ. એમાં બહુ પાણી ભરીએ.’

 

‘પછી છે ને બિલ્લીમાસી અંદર પડશે.’ લિપિ બોલી.

 

ને પેલાં દેડકાં પણ અંદર પડશે. એ જોવાની બહુ મજા પડશે. પછી આપણે એમની સાથે રમશું.’

 

‘તો….તો બહુ મજા. બધાં પડશે ખાડામાં. પછી બધાં એક સાથે કરશે છબછબ-છબછબ…’ તાલી પાડતાં બન્ને રાજી-રાજી થઈ ગયાં.

 

ત્યાં તો ડોકી હલાવતો આવી પહોંચ્યો મોર. ટેહું. ટેહું કરે ને મે…આવ મે…આવ કરતો નાચે. એને કળા કરતો જોવાની બન્નેને મજા પડી. બન્ને ધીરે-ધીરે પગલે મોર પાસે ગયાં. મોર કળા કરતો જાય ને ગાતો જાય,

 

આવ આવ રે વરસાદ

તને બહુ કરું છું યાદ.

હું કળા કરી બોલાવું

આખી ધરતીને ડોલાવું.

 

લિપિ બોલી, ‘ગીત તારું બહુ મજાનું હોં.’

 

‘તું ત્યાં ઊભો રહેજે. હું તારી પાસે આવું છું.’ લક્ષે કહ્યું.

 

પણ… મોર કંઈ ઊભો રહે? એ તો ઊડી ગયો. ઝાડની ડાળે બેસી ગયો. બેઉં ભાઈ-બહેન પાછાં ફર્યાં. વાત-વાતમાં ભૂલી ગયાં ને ખાડામાં પડી ગયાં.

 

ખૂણામાં બેઠેલી બિલ્લીમાસી બોલી,

 

સાવ ખોટું કોઈ ન લડે,

ને ખાડો ખોદે તે પડે.