મહેંદીની બુચ્ચા

નાનકડી કાજલ, સહુને વ્હાલી. બધાં એને કાજુ કહે. કાજુને ત્યાં એની માસી આવી. માસીની એક દીકરી. એનું નામ સેજલ. લાડમાં બધાં સેજુ કહે.

આમ કાજુ અને સેજુ બંને બહેનો. સાથે-સાથે બહેનપણીઓ પણ.

કાજુના નાના-નાના હાથ, વળી લાલ-લાલ… મહેંદીવાળા… એ જોઈ સેજુ બોલી, ‘મને… મહેંદી આપી દે.’

‘લે… લે… લઈ લે.’

સેજુએ કાજુનો હાથ પકડ્યો. પછી પોતાની હથેળી સાથે દાબ્યો. પણ એમ કંઈ મહેંદી થોડી આવે ?… હાથમાં મહેંદી તો ના આવી. એટલે સેજુબહેનનું ચડ્યું મોં. એ તો રીસ કરી બોલી; ‘જા… મહેંદીની કિટ્ટા.’

માસી, માસી. સેજુએ મહેંદીની કિટ્ટા કરી.

બેટા, મહેંદીની કિટ્ટા ન કરાય!

કિટ્ટા-બુચ્ચા કરતી સેજુ ઊંઘી ગઈ, એની જોડે કાજુ પણ ઊંઘી ગઈ. રાત્રે મમ્મીએ સેજુના હાથમાં મહેંદી લગાવી દીધી. સવાર પડી, કાજુ ઊઠી, ને સેજુ પણ. સેજુ તો ખુશ થતી કહેવા લાગી. – ‘જો… જો… કાજુ, મારા હાથ લાલ… લાલ.’

‘હું કે’તી’તીને મહેંદીની કિટ્ટા ન કર. એ કાલે આવશે. જો… આવી ગઈ ને લાલ લાલ !

હા… હવે મહેંદીની બુચ્ચા, બસ !

લેખક:-ગિરા પિનાકીન ભટ્ટ