મજાનું પતંગિયું

એક હતું પતંગિયું.

બહુ મજાનું હોં.

ઊડાઊડ કરે.

એ તો ફૂલો પાસે દોડી જાય.

ઘડીમાં ગુલાબ ઉપર બેસે, તો ઘડી મોગરા ઉપર. ત્યાંથી ઊડીને પાછું ચંપાના ફૂલ ઉપર. બારમાસીને ખોટું લાગે તો?… કહેતું ઊડ્યું બારમાસી પાસે.

આવું મજાનું પતંગિયું, એ તો ફૂલોને ગીત સંભળાવે…

હું પતંગિયું મજાનું,

હું પતંગિયું મજાનું…

શિવ તો દોડ્યો. ગુલાબ પાસે, પછી ગુલાબને પૂછ્યું…. પેલા પતંગિયાએ કયું ગીત ગાયું ?… તને એવું ગીત ગાતાં આવડે છે ?….

ગુલાબનું ફૂલ હસી પડ્યું. અને બોલ્યું, ‘હા… હા. કેમ નહીં ?’

હા. તો ગીત ગાને !

તું તાળી પાડ, હું ગીત ગાઉં…

નાના-નાના હાથે શિવ તાળી પાડે ને ગુલાબ ગીત ગાય.

અમે તો ફૂલડાં છીએ મજાનાં,

અમે તો ફૂલડાં છીએ મજાનાં…

ફાઇન… ફાઇન… મને પણ એવું ગીત આવડે છે. તમે સાંભળજો હો… ચાલો તાળી પાડો તાળી… બધી ડાળીઓ ડોલવા લાગી. શિવ ગાવા માંડ્યો..…

અમે સૌ બાલુડાં મજાનાં,

અમે સૌ બાલુડાં મજાનાં.

લેખક:-ગિરા પિનાકીન ભટ્ટ