બે બિસ્કિટ બગીચામાં રમતી હતી. ત્યાં એમની નજર પડી ચંપાના ઝાડ નીચે. ત્યાં ચાર ચૉકલેટ ચપટી વગાડતી હતી.
બિસ્કિટ જોતાં ચોકલેટ બોલી, ‘પકડદાવ રમવો છે?’
બિસ્કિટ કહે, ‘ચાલો, રમીએ.’
ચૉકલેટ કહે, ‘દાવ કોણ લેશે?’
થોડે દૂર કુંજા પાસે ઊભો હતો એક કાગડો. રમવાની વાત જાણી એ થયો રાજી રાજી. કા…કા…કા કરતાં એ બોલ્યો, ‘મને રમાડશો? હું દાવ લઈશ.’
ચૉકલેટ કહે, ‘જા…જા…જા… તારી સાથે કોણ રમે!’
બિસ્કિટ કહે, ‘ના…ના…ના… અમારી સાથે નહીં. તું તારે કુંજા પાસે જા.’
કાગડો તો ઊડ્યો ફ.ર્.ર્.ર્. ચૉકલેટની વાવા ફફડી ઊઠી. બિસ્કિટ બાઘાની જેમ જોઈ રહ્યું. ત્યાં તો કાગડો બોલ્યો, ‘અ.ર્.ર્.ર્. આ કુંજામાં તો પડયું પાંદડું. ઓ પવનદેવ તમે પાણીમાં પાંદડું કેમ પાડ્યું?’
ત્યાં તો ચૉકલેટ હસી. બિસ્કિટને તાળી આપતાં ગાવા લાગી,
‘કટકટિયો કાગડો,
તાણે જો રાગડો.
પાન એક જોતાં તું,
બને શું બાગડો?’
કાગડો તો એની મસ્તીમાં મસ્ત. કુંજાના પાણીમાં ચાંચ બોળે ને ડોકી ફેરવે. પગેથી પાણી ઉડાડે ને પાંખો પલાળે. એ જોતાં બિસ્કિટો હસી, ખી..ખી…ખી.
ચોકલેટો બોલી, ‘કાગડાનું કામ છી… છી…છી.’
કાગડો તો હતો આનંદી. એ કહે, ‘પાંદડા, પાણી પી.પી.પી.’
એ સાંભળી ચૉકલેટ કહે, ‘પાણી કેવું છે, કેટલું છે ચાલો… એ જોવા જઈએ.’
બિસ્કિટ કહે, ‘હા જોઈએ તો ખરાં. એ કુંજામાં આમ હરખાવા જેવું છે શું?’ પછી તો બધાં ગયાં કુંજા પાસે. કુંજામાં નીચે હતા કાંકરા ને ઉપર તરે પાંદડું. ચૉકલેટ અને બિસ્કિટે કહ્યું, ‘ચાલો, પડીએ કુંજામાં. આપણે પણ આમ તરીએ.’
કાગડો બોલ્યો, ‘ના, એમ ન કરો તો સારું. મારી વાત માનો તો સારું.’
પણ એ કંઈ સમજે? કાગડાની વાત કોઈ માને? એક પછી એક પડ્યાં ધબાક કરતાં. કુંજાના તળિયે જઈને બેઠાં. થોડી વાર થઈ ત્યાં ચૉકલેટ પીગળવા માંડી. બિસ્કિટ તો ઢીલું ઢસ.
કાગડો કહે, ‘ના પાડી હતી ને?’ પણ ચૉકલેટ-બિસ્કિટ બોલે શું? રડતી ગઈ ને પીગળતી ગઈ.
પાંદડું કહે, ‘કાગડા મીઠું-મીઠું પાણી પી.’
એ સાંભળીને કાગડો કહે, ‘હું એકલો ન ખાઉં કે પીઉં. સહુને બોલાવી લાવું. સહુની સાથે ખાઉં ને પીઉં. ને એ આનંદી કા..કા..કા કરતો ઊડ્યો.
લેખક : ગિરા પિનાકિન ભટ્ટ્
Leave A Comment