એક સરસ મજાનો બાગ. રંગ—બેરંગી ફૂલો ખીલે. જુદી-જુદી જાતનાં પતંગિયાં ઊડાઊડ કરે. બાગમાં લપસણી ને હીંચકો. ઊચક-નીચક ને ચકરડી. રોજ—રોજ ત્યાં દોડી જવાનું.
તોફાની તપન દાદા સાથે આવ્યો. આવો સરસ બાગ? એને ક્યાંથી તોડું ને ફોડું? દાદા બેઠા બાંકડા ઉપર. તપન દોડી ગયો મોગરાના છોડ પાસે. મોગરાના ફૂલ લૂમે—લૂમ. તપને કરી બૂમાબૂમ.
‘ઓય… તારો આ છોડ ઉખાડી નાખું?’
‘ના તપન ના. પેલી બોગનવેલ પાસે જા ને.’
બોગનવેલ પાસે જઈને તપને પૂછ્યું, ‘તારી વેલ તોડી નાખું.’
‘ના… ના… હમણાં નહીં બકા. મારા રંગો તો જો તું.’ પણ તપન કાંઈ સાંભળવા ઊભો રહે?
એ તો દોડ્યો ગુલાબ પાસે, ‘ગુલાબ તારી પાંદડીઓ તોડી નાખું?’.
‘તને મારી પાંદડીઓ નથી ગમતી, તું મને એ કહે?’
‘ગમે તો છે, પણ તોડવાની ગમે છે.’ તપનની વાત સાંભળી પતંગિયાં ડરી ગયાં. પેલાં પંખીઓ પણ ચૂપ થઈ ગયાં. બાગના બધા છોડ તપનને જોઈ રહ્યા.
તપન બોલ્યો, ‘કશુંય તોડવાનું નહીં? આવું મને ગમે નહીં. મને આવો ગાર્ડન ન ગમે.’ કહેતાં એણે ધૂળ ઉછાળી. ધૂળ એની આંખમાં પડી. આંખો ચોળતો ને રડતો એ ઝાડ પાસે ઊભો.
ઝાડ બોલ્યું, ‘તેં ધૂળ ઉડાડી એ પડી તારી આંખમાં બરાબર ને?’ પણ તપન બોલે શું?
ત્યાં તો ઝાડની ડાળ બોલી, ‘દીકરા, તું બધાંને તોડી-ફોડી નાખવા માગે છે. મારી વાત સાચી કે ખોટી, બોલ?’
‘સાવ સાચી. પણ તમે કોઈ મને કેમ તોડવા દેતાં નથી?’
‘લે, તું મને કાપી નાખ. મારી ડાળીઓ બટકી નાખ. મારા વ્હાલાં-વ્હાલાં પાંદડાં તોડી દે.’
‘સાચ્ચે જ?’ આંખો ચોળતાં તપન બોલ્યો.
‘હા…. હા… સાચ્ચે જ. પણ પછી તને એકેય ફળ ખાવા નહીં મળે. તને પાણી પીવા પણ નહીં મળે બોલ! તને મજાનો છાંયડો નહીં મળે. અને નાક વડે શુદ્ધ હવા લે છે ને એ પણ નહીં મળે.’
‘ના હોય? આ બધું ન હોય તો…તો કરીએ જ શું?’
‘હા, હું નહીં હોઉં, આ વેલ ન હોય પછી તો… બધે ઠેકાણે ધૂળ ધૂળ. તારી આંખોમાં પણ ઊડશે જબ્બર. બોલ, તને એવું ગમશે?’
‘ના… ના… ના, મને તો બધું જોઈએ છે. હવે પછી ક્યારેય તમને હું નહીં તોડું. હું તમને સહુને ગમે એવું કરીશ બસ.’
‘તો બરાબર, આ નાનાં-મોટાં છોડ, ફૂલ ને પાન બધાંયને ખૂબ વ્હાલાં. એ બધાં વિના કોઈને જરાય નહીં ગમે. ના ભાઈ ના, એને કદી તોડાય ના.’ તપનના દાદાની વાત સાંભળી રાજી થયા વૃક્ષદાદા. પછી તો દોડી આવ્યા પવનદેવ. પાંદડાં ડોલે ને ફૂલડાં ગાય,
તપનની વાતે બાગમાં… લાલી લાલી,
ફૂલડાં કહે હરખની દે… તાલી તાલી.
લેખક: ગિરા પિનાકિન ભટ્ટ્
Leave A Comment